Loading Please Wait !!!
સ્કોટલેન્ડની ઐતિહાસિક જીત કે રેફરીની બેઈમાની? હૈતી સાથે મોટો દગો

બોસ્ટનમાં ફિફા વર્લ્ડ કપ મેચમાં હેન્ડબોલ અને રેડ કાર્ડના વિવાદથી મચ્યો ભારે હોબાળો

  • સ્કોટલેન્ડે 1-0 થી મેચ જીતી પણ 79મી મિનિટે હેન્ડબોલ વિવાદે વર્લ્ડ કપમાં મચાવ્યો હડકંપ
  • ફેર-પ્લેના ઉડ્યા ધજાગરા, રેડ કાર્ડ અને પેનલ્ટી ન આપતા રેફરિંગના સ્તર પર ગંભીર સવાલ
  • બોસ્ટનમાં રેફરીના શરમજનક નિર્ણયો વચ્ચે સ્કોટલેન્ડનો ઐતિહાસિક વિજય

    સિટી ન્યુઝ @ બોસ્ટન

    બોસ્ટનના મેદાન પર રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ C ની અત્યંત રોમાંચક મેચમાં સ્કોટલેન્ડે હૈતીને 1-0 થી હરાવીને 36 વર્ષ બાદ ઐતિહાસિક જીત નોંધાવી છે. 1998 પછી પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર સ્કોટલેન્ડની આ 1990 પછીની પ્રથમ જીત છે. મેચની 29 મી મિનિટે સ્કોટલેન્ડના જોન મેકગિને બોક્સની ધાર પરથી એક જોરદાર શોટ ફટકારીને શાનદાર ગોલ કર્યો હતો. હૈતીના ગોલકીપર જોની પ્લેસિડ આ શૉટને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા અને આ જ ગોલ અંત સુધી મેચનો નિર્ણાયક વિનિંગ ગોલ સાબિત થયો હતો.

    જોકે, આ મેચ સ્કોટલેન્ડની ઐતિહાસિક જીત કરતાં અલ્જેરિયાના રેફરી મુસ્તફા ઘોરબાલના અત્યંત વિવાદાસ્પદ નિર્ણયોના કારણે વધુ ચર્ચામાં આવી છે. મેચના પ્રથમ હાફમાં સ્કોટલેન્ડના કેની મેકલીને હૈતીના જોસુ કાસિમીરના ઘૂંટણ પર ખૂબ જ ખતરનાક ટેકલ કર્યો હતો. ફૂટબોલના નિયમો મુજબ તેને સીધું રેડ કાર્ડ મળવું જોઈતું હતું, પરંતુ રેફરીએ અકલ્પનીય નરમ વલણ દાખવીને તેને મેદાન પર રમવા દીધો હતો. ત્યારબાદ 73 મી મિનિટે બોલ ડિફેન્ડરને વાગવા છતાં હૈતીની પેનલ્ટીની માંગને રેફરી દ્વારા નિર્દયતાથી ફગાવી દેવામાં આવી હતી.

    સૌથી મોટો અને શરમજનક વિવાદ 79 મી મિનિટે સર્જાયો હતો, જ્યારે હૈતીના જીન-રિકનર બેલેગાર્ડે ડી-બોક્સની અંદરથી પાવરફુલ કિક મારી હતી. આ બોલ સ્પષ્ટપણે સ્કોટિશ ડિફેન્ડરના હાથ પર વાગ્યો હોવા છતાં રેફરીએ પેનલ્ટી આપવાનો સીધો ઇનકાર કરી દીધો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આટલી મોટી વૈશ્વિક ટૂર્નામેન્ટમાં VAR સિસ્ટમે પણ આ ખોટા નિર્ણયમાં કોઈ દખલ ન કરી. આ ઘટના બાદ હૈતીના ચાહકો અને વિશ્વભરના ફૂટબોલ વિવેચકો વર્લ્ડ કપમાં રેફરિંગના સ્તર પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.

    ફેર-પ્લે ભાવના પર મોટો પ્રશ્નાર્થ ફૂટબોલ વર્લ્ડ કપ જેવા સૌથી મોટા વૈશ્વિક મંચ પર રેફરી દ્વારા લેવાયેલા આવા નિર્ણયો રમતની પારદર્શિતા પર મોટો દાગ લગાવે છે. માત્ર 1 ખોટો નિર્ણય આખી મેચનું પરિણામ બદલી શકે છે. હૈતી સાથે થયેલા આ અન્યાય બાદ ફિફાએ રેફરિંગના સ્તર અને VAR સિસ્ટમની કાર્યક્ષમતા પર તાત્કાલિક કડક સમીક્ષા કરવાની જરૂર છે.