આપઘાત અટકાવવા રાજકોટ રૂરલ પોલીસનું પ્રેરણા કાઉન્સેલિંગ સેન્ટર
- 3 મહિનામાં આપઘાતનો પ્રયાસ કરનાર 217 લોકોનું કરાશે કાઉન્સેલિંગ
- રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના હસ્તે પ્રોજેક્ટનો કરાયો પ્રારંભ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના નિષ્ણાતોની મદદ લેવાશે
- સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં આપઘાતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તેને અટકાવવા માટે રાજ્યમાં સંભવતઃ પ્રથમ વખત રાજકોટ રૂરલ પોલીસ દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. આપઘાતનો પ્રયાસ કરી ચૂકેલા લોકોને હતાશામાંથી બહાર લાવી નવું જીવન આપવાના ઉદ્દેશ્યથી આજે ૧૭ જૂનના રોજ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના હસ્તે 'PRERNA નવા જીવનની' (પ્રેરણા) સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૩ મહિનામાં કુલ ૨૧૭ લોકોએ કોઈને કોઈ કારણોસર આપઘાતનો પ્રયાસ કરેલો છે. આ તમામ લોકોને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે મળીને આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં નિષ્ણાતો દ્વારા આ લોકોનું મેન્ટલ અને સાયકોલોજિકલ હેલ્થ એસેસમેન્ટ (માનસિક અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન) કરવામાં આવશે.
આ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ, અધ્યાપકો અને રિસર્ચ સ્કોલર્સની ટીમ પોલીસના આ પ્રયાસમાં ભાગીદાર બનશે. આપઘાતનો પ્રયાસ કરનારા ૨૧૭ લોકો પાસે અલગ-અલગ પ્રકારની પ્રશ્નાવલી ભરાવવામાં આવશે અને વિવિધ ટેકનિકની મદદ લેવાશે.
આ પ્રશ્નાવલીના જવાબો અને મૂલ્યાંકનના આધારે, જો કોઈ વ્યક્તિને વધુ સાયકોલોજિકલ ટ્રીટમેન્ટની જરૂર જણાશે, તો તેને મનોચિકિત્સક (સાઈકિયાટ્રિસ્ટ) પાસે સારવાર માટે મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આવા લોકોને મોટિવેટ કરવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં ફરી ક્યારેય આવું આત્યંતિક પગલું ન ભરે અને 'પ્રેરણા' મેળવીને એક નવું જીવન શરૂ કરી શકે.