Loading Please Wait !!!
ફેક્ટરી અકસ્માતોમાં: 121 મોત: સાથે ગુજરાત દેશમાં પ્રથમ

 

  • NCRB રિપોર્ટ મુજબ 2024 માં દેશમાં ફેક્ટરી અકસ્માતોમાં 660 મોત

  • ઔદ્યોગિક એકમોમાં થતી દુર્ઘટનાઓ અંગે મંત્રી-અધિકારીઓ સામે કડક પગલાં લેવા માંગ

  • દુર્ઘટનાઓ બાદ માત્ર 2-4 લાખની સહાય આપી ભીનું સંકેલવાનો આક્ષેપ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને વાઇબ્રન્ટ મોડેલના દાવાઓ વચ્ચે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ફેક્ટરી ઇન્સ્પેક્શનના નામે ચાલતા કહેવાતા હપ્તારાજ અને ઔદ્યોગિક સલામતીના નિયમોની ઘોર અવગણનાને કારણે ફેક્ટરી અકસ્માતોમાં ૧૨૧ મોત સાથે ગુજરાત સમગ્ર દેશમાં ટોચ પર પહોંચી ગયું છે. આ ગંભીર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ-નિયમો નેવે મૂકાતા વારંવાર નિર્દોષ શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. રાજ્યમાં હાલ ૩૧૫૦૦ જેટલી ફેક્ટરીઓમાં ૧૬.૯૩ લાખ શ્રમિકો કામ કરે છે. પરંતુ સલામતી વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ ગયેલી સરકારની ઢીલી નીતિના કારણે શ્રમિકોના મોતમાં ગુજરાત આખા દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે. જે રાજ્ય માટે ખૂબ જ શરમજનક બાબત છે.

રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યાઓ (ADSI) રિપોર્ટ ૨૦૨૪ ના આંકડા ટાંકીને કોંગ્રેસે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ માં ભારતમાં ૭૪૨ ફેક્ટરી અને મશીન અકસ્માતો નોંધાયા હતા, જેમાં ૬૬૦ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે દેશમાં દરરોજ સરેરાશ ૨ શ્રમિકોના મોત થઈ રહ્યા છે. ફેક્ટરી અકસ્માતના કુલ મૃત્યુના ૬૪ ટકા કેસો માત્ર પાંચ રાજ્યોમાં જ કેન્દ્રિત છે.

જેમાં ગુજરાત ૧૨૧ મૃત્યુ સાથે સતત ત્રીજા વર્ષે પણ દેશમાં સૌથી મોખરે છે. ત્યારબાદ રાજસ્થાનમાં ૯૫, મહારાષ્ટ્રમાં ૮૭, મધ્યપ્રદેશમાં ૭૦ અને છત્તીસગઢમાં ૫૨ શ્રમિકોના મોત નોંધાયા છે.

ડૉ. દોશીએ આક્ષેપ કર્યો હતો કે, જે શ્રમિકોના પરસેવાથી ગુજરાતની પેટ્રોકેમિકલ, સિરામિક, હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ ધમધમી રહ્યા છે, ત્યાં માત્ર કાગળ પર ફેક્ટરી ઇન્સ્પેક્શનની પ્રક્રિયા થાય છે. ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે સરકારના આશીર્વાદથી આવી ગેરકાયદેસર અને જોખમી ફેક્ટરીઓ ધમધોકાર ચાલી રહી છે. અનેક ઔદ્યોગિક-કેમિકલ કંપનીઓમાં ફાયર અને અન્ય સેફ્ટીની પૂરતી સુવિધાઓ જ નથી. દુર્ઘટના બને ત્યારે ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ માત્ર ૨ થી ૪ દિવસ દેખાવ પૂરતા પગલાં લે છે અને પછી હપ્તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે. સરકાર પણ મૃતકોના પરિવારને ૨ થી ૪ લાખ રૂપિયાની આર્થિક સહાય આપીને સંતોષ માની લે છે અને ભીનું સંકેલી લે છે.

કોંગ્રેસે ઉગ્ર માંગ કરી છે કે ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આ ગમખ્વાર દુર્ઘટનાઓ અંગે મંત્રીથી લઈને સંબંધિત અધિકારીઓ સુધી જવાબદારી નક્કી કરીને સખત પગલાં ભરવામાં આવે. એકમોમાં નિયમિતપણે નિષ્પક્ષ ઇન્સ્પેક્શન થાય અને શ્રમિકોને સલામતી માટેના પૂરતા સાધનો પૂરા પાડવામાં આવે, જેથી નિર્દોષ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવવા ન પડે.