Loading Please Wait !!!
"અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLAનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો: પોલીસ સાથે કરી તકરાર"

  • પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો પુત્ર યુવરાજ નશામાં ધૂત - કારમાંથી દારૂની બોટલો મળી છતાં પોલીસે વગર કાર્યવાહીએ છોડ્યો!
  • દૂધેશ્વર સર્કલ પાસે હંગામો - વીડિયો વાયરલ થતાં હવે PI એ કહ્યું, "ગુનો નોંધવાની તજવીજ શરૂ કરીશું"
  • ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ મામલે લોકોએ નબીરાઓને ઝડપ્યા - JCP નીરજ બડગુજરે આપ્યા તપાસના આદેશ

રાજ્યમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી એક ઘટના અમદાવાદના દૂધેશ્વર સર્કલ પાસે સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ પટેલ રવિવારે રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે સ્થળ પર પહોંચેલી માધવપુરા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે રાજકીય દબાણ હેઠળ 'સમાધાન' કરી તેને મુક્ત કરી દીધો હોવાનો ગંભીર ઘટસ્ફોટ થયો છે.

ઘટનાની વિગત મુજબ, ગઇકાલે (22 માર્ચ) રાત્રે દૂધેશ્વર સર્કલ પાસે યુવરાજ પટેલ અને તેનો મિત્ર નશાની હાલતમાં કાર ચલાવી રહ્યા હતા. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની શંકા જતાં સ્થાનિક લોકોએ કાર રોકાવી તપાસ કરી તો ડ્રાઈવિંગ સીટની બાજુમાં અને પાછળની સીટ પર દારૂની બોટલો મળી આવી હતી. આ દરમિયાન યુવરાજે પોલીસ અને ટ્રાફિક જવાનો સાથે પણ ઉગ્ર તકરાર કરી હતી. લોકોએ આ સમગ્ર દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આશ્ચર્યજનક વાત એ છે કે, આરોપીને માધવપુરા પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવાના બદલે મોડી રાત્રે તેને છોડી મુકાયો હતો. આ મામલે સવાલ ઉઠતા માધવપુરા પીઆઈ સી.આર. રાણાએ બચાવ કર્યો હતો કે, "રાત્રે કોલરે સમાધાન કર્યું હતું, પરંતુ હવે વીડિયોના આધારે ગુનો નોંધાશે." બીજી તરફ સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજરે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે કે, "કયા સંજોગોમાં આરોપીને કાર્યવાહી વગર છોડવામાં આવ્યો?"

પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા સ્વીકાર્યું કે, "ગાડી મારા દીકરાની જ છે, પણ સ્થળ પર શું થયું તેની મને જાણ નથી." ઉલ્લેખનીય છે કે, હિંમતસિંહ પટેલના પરિવારમાં આ પ્રકારની આ બીજી ઘટના છે. ગત 1 ફેબ્રુઆરીએ તેમનો ભાણિયો વિશાલ ગુર્જર પણ મણિનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જીને પકડાયો હતો. નેતાના પરિવારજનો દ્વારા વારંવાર કાયદાનું ઉલ્લંઘન અને પોલીસની રહેમનજર સામે શહેરભરમાં ચર્ચા જાગી છે.