36 દેશોમાંથી 303 ભાગેડુઓને ભારત લાવ્યા: શાહ!
- વિદેશમાં છુપાયેલા દરેક અપરાધી પર કાયદાકીય કાર્યવાહી!
- ડિજિટલ એરેસ્ટ સામે 'પુષ્ટિ' પોર્ટલ લોન્ચ કરાયું!
- 19 અને 20 નવેમ્બરે ડીઆરડીઓ ભવનમાં સંમેલન!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની 6ઠ્ઠી એન્ટી ટેરર કોન્ફરન્સ શુક્રવારે સંપન્ન થઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદેશની ધરતી પર શરણ લેનાર દરેક ભાગેડુને ભારત લાવી કાયદા મુજબ કેસ ચલાવવાનો કડક સંદેશ આપ્યો હતો.
ગૃહમંત્રીએ 36 દેશોમાંથી 303 ભાગેડુઓને ભારત લાવવા બદલ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓની કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ 19 અને 20 નવેમ્બરે ડીઆરડીઓ ભવનમાં યોજાયેલા સંમેલનમાં 40 ડીજી સહિત 230 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ સંમેલન દરમિયાન સામાન્ય નાગરિકોને ડિજિટલ એરેસ્ટથી બચાવવા માટે 'પુષ્ટિ' પોર્ટલ અને 50 સ્ટેટસ ધરાવતી તપાસ ગાઈડ બુક પણ લોન્ચ કરવામાં આવી હતી.
અમિત શાહે આતંકવાદની સમગ્ર ઈકો સિસ્ટમ પર પ્રહાર કરવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે આતંકવાદીઓ સામે કાર્યવાહીની સાથે સીમા પાર બેઠેલા હેન્ડલર અને ફંડીંગ નેટવર્કને જડથી ઉખાડવું પડશે.
આ ઉપરાંત સંગઠીત અપરાધ સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિક મદદગારોને પૂરી રીતે ખતમ કરવા તેમજ આતંકવાદ અને સંગઠીત અપરાધ સાથે ડ્રગ્સ તસ્કરીની ગઠજોડને તોડવા પર પ્રાથમિકતા આપવામાં આવી હતી.
આતંકવાદ વિરોધી સમન્વય, પ્રત્યાર્પણ અને ડિજિટલ સુરક્ષા
આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગેડુઓના પ્રત્યાર્પણ અને કેન્દ્રીય તથા રાજ્ય એજન્સીઓ વચ્ચેના સંકલનથી આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહી વધુ મજબૂત બને છે. નાણાકીય તપાસ, સાયબર છેતરપિંડી સામે જાગૃતિ અને અદ્યતન તપાસ માર્ગદર્શિકા આધુનિક સુરક્ષા પડકારોનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.