અમરનાથ યાત્રા માર્ગનો 85% વિસ્તાર ભૂસ્ખલન માટે સંવેદનશીલ!
- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇડ્રોલોજીના સંશોધનમાં ગંભીર ચેતવણી!
- 16.2% અત્યંત સંવેદનશીલ, 68.1% મધ્યમ સંવેદનશીલ શ્રેણીમાં!
- પાંચ વર્ષમાં 22.17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા!
સિટી ન્યુઝ @ જમ્મુ
જમ્મુ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇડ્રોલોજીના સંશોધનમાં બહાર આવ્યું છે કે 35 કિમી લાંબા બાલટાલ-અમરનાથ-પંજતરણી-પોથપત્રી માર્ગનો આશરે 85 ટકા હિસ્સો ભૂસ્ખલન માટે સંવેદનશીલ છે, જેમાં 16.2 ટકા અત્યંત સંવેદનશીલ અને 68.1 ટકા મધ્યમ સંવેદનશીલ શ્રેણીમાં મુકાયો છે.
સંશોધકોએ 1994 થી 2024 દરમિયાન બાલટાલ ખીણમાં 45 મિમીથી વધુ વરસાદની 54 ઘટનાઓ નોંધી છે અને ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, નબળા ખડકો તથા રસ્તા નિર્માણને કારણે ઢોળાવો અસ્થિર બનતા સુરક્ષા ઉપાયો વધારવાની જરૂર વ્યક્ત કરી છે.
3,800 મીટર એટલે કે 12,000 ફૂટની ઊંચાઈએ આવેલી ગુફા પાસે 2022 માં વાદળ ફાટવાથી 16 લોકોના મોત થયા હતા અને 2025 માં ભૂસ્ખલનને કારણે આશરે 500 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા.
પહેલગામ માર્ગ પર ચંદનવાડીથી શેષનાગ અને પંચતરણી સુધીનો સાંકડો અને ઊભા ઢોળાવવાળો રસ્તો તથા ઘોડા-પાલખીઓની અવરજવરને કારણે કાટમાળ પડવાના સંજોગોમાં શ્રદ્ધાળુઓ ફસાવાની અને રાહતદળોને પહોંચવામાં મુશ્કેલીની આશંકા રહે છે.
2022 થી 2026 સુધીના પાંચ વર્ષમાં કુલ 22.17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, જ્યારે સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ વર્ષે 28 ઓગસ્ટના નિર્ધારિત સમાપન સામે 20 દિવસ વહેલી એટલે કે 9 ઑગસ્ટથી યાત્રા બંધ કરી દેવામાં આવી હતી અને 28 ઓગસ્ટે છડી મુબારક સાથે ધાર્મિક સમાપન થયું હતું.
પર્વતીય માર્ગ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને યાત્રા આયોજન
ઊંચાઈવાળા હિમાલયન વિસ્તારોમાં વધતા હવામાન ફેરફાર અને ભારે વરસાદ વચ્ચે યાત્રા માર્ગોની ભૂસ્તરીય સ્થિરતા જાળવવી અત્યંત જરૂરી છે. વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માળખું, પૂર્વ ચેતવણી વ્યવસ્થા અને આપત્તિ પ્રતિસાદ તંત્ર મજબૂત બનાવવું શ્રદ્ધાળુઓની સલામતી માટે નિર્ણાયક બને છે.