Loading Please Wait !!!
"જામનગરમાં ઇલેક્ટ્રિક સ્કૂટર બન્યું 'અગનગોળો': વિક્ટોરિયા પુલ પાસે ચાલુ સ્કૂટરમાં ભીષણ આગ"

  • પેટ્રોલ પંપ અને ઢાબા નજીક આગ ફાટી નીકળતા અફરાતફરી - જામનગર ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ.
  • ભારત પેટ્રોલિયમ પંપ પાસે જ આગ લાગતા ફફડાટ - સદનસીબે ચાલકનો આબાદ બચાવ
  • ફોજી ઢાબા પાસે સર્જાયા ભયાનક દ્રશ્યો - ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી સ્થિતિ થાળે પાડી.

જામનગર: જામનગર શહેરમાં આજે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા વિક્ટોરિયા પુલ પાસે એક ચાલુ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના ભારત પેટ્રોલિયમ પંપ અને ફોજી ઢાબાની બિલકુલ નજીક બની હોવાથી આસપાસના લોકો અને રાહદારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, સ્કૂટર ચાલક જ્યારે વિક્ટોરિયા પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક વાહનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ચાલક કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત સ્કૂટર પરથી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જોતજોતામાં આખું સ્કૂટર આગના લપેટામાં આવી ગયું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ૧૧૨ નંબર પર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જામનગર ફાયર વિભાગની ટીમ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. મહત્વની વાત એ છે કે આ આગ પેટ્રોલ પંપની નજીક લાગી હતી, જો આગ વધુ પ્રસરી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત.

ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આગ બુઝાવી દેવામાં આવી હતી, જોકે ત્યાં સુધીમાં સ્કૂટરને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. ઇલેક્ટ્રિક વાહનોમાં વારંવાર બનતી આગની ઘટનાઓએ હવે વાહન ચાલકોમાં ચિંતા વધારી છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ બેટરીમાં શોર્ટ સર્કિટ અથવા ઓવરહીટિંગને કારણે આ બનાવ બન્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે.