જામનગરમાં પોલીસનું ‘મેગા કોમ્બિંગ’: ચૂંટણી પૂર્વે દરેડ અને મસીતિયામાં સપાટો, અનેક વાહનો ડિટેઈન અને દારૂના કેસ નોંધાયા
-
નિર્લીપ્ત રાય અને રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન; બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ
-
10 વાહનો ડિટેઈન અને 15 બુટલેગરોના નિવાસસ્થાને દરોડા; અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ
-
ટપોરીઓ અને એમ.સી.આર. કાર્ડ ધારકોનું સઘન ચેકિંગ; ચૂંટણીમાં શાંતિ જાળવવા પોલીસની કટિબદ્ધતા
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યો છે. રાજકોટ વિભાગના ડીઆઈજી નિર્લીપ્ત રાય અને જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ પોલીસની વિવિધ ટીમોએ દરેડ અને મસીતિયા વિસ્તારોમાં "સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ" હાથ ધરી હતી, જેમાં અનેક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સંયુક્ત ટીમોનો સપાટો એલસીબી (LCB) પીઆઈ વી.બી. ચૌધરી અને પંચકોશી બી. ડિવિઝન પીઆઈ વી.જે. રાઠોડની આગેવાનીમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસના સ્ટાફે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટર વાહન અધિનિયમ (MV Act) ની કલમ ૨૦૭ હેઠળ ૧૦ વાહનો ડિટેઈન કરાયા હતા, જ્યારે ૧૮ એન.સી. કેસ નોંધવામાં આવ્યા હતા. દારૂબંધીના ૨ ગુના દાખલ કરવા સાથે ૧૦ સ્થળોએ 'નીલ રેઈડ' પણ કરવામાં આવી હતી.
હિસ્ટ્રીશીટરો પર વોચ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે ૧૫ નામચીન બુટલેગરો અને ૩ હિસ્ટ્રીશીટરોના રહેઠાણોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત ૫ ટપોરીઓની તપાસ અને ૪ એમ.સી.આર. (મૂવમેન્ટ કંટ્રોલ રજિસ્ટર) ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જામનગર જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી સમયમાં પણ આવી કોમ્બિંગ ડ્રાઈવ ચાલુ રહેશે અને ગુનેગારો સામે કડક હાથે કામ લેવામાં આવશે.