Loading Please Wait !!!
નેપાળમાં કુદરતનો બેવડો માર: પૂર હોનારત વચ્ચે 5.0 ની તીવ્રતાનો ભૂકંપ, ભયનો માહોલ

 

  • મંગળવારે રાત્રે 5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી

  • હિમાલયી દેશમાં ભારે પૂર અને ભૂસ્ખલન બાદ 13 હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા

  • તૂટેલા રસ્તાઓ, પહાડી ભૂગોળ અને કાટમાળના ખડકલા વચ્ચે ચિલિમે સુરંગમાં રેસ્ક્યુ કામગીરી તેજ

સિટી ન્યુઝ @ કાઠમંડુ

કુદરતી આપત્તિઓનો સામનો કરી રહેલા પડોશી દેશ નેપાળ પર કુદરતનો બેવડો માર પડ્યો છે. ભીષણ પૂર અને વિનાશક ભૂસ્ખલનની હોનારત વચ્ચે મંગળવારે મોડી રાત્રે સમગ્ર નેપાળમાં રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોકે, ભૂકંપના આ આંચકાથી હાલ કોઈ મોટા નુકસાન કે નવી જાનહાનિના તાત્કાલિક અહેવાલ મળ્યા નથી, પરંતુ પૂરપીડિત વિસ્તારોમાં લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે.

બીજી તરફ, નેપાળમાં જળબંબાકાર અને પૂરની દુર્ઘટનાના 13 દિવસ વીતી ગયા બાદ પણ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યુ ટીમો હાલ અલગ-અલગ 7 વિશાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ભૂગર્ભ સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓ અને એન્જિનિયરોને બહાર કાઢવા માટે સઘન શોધખોળ કરી રહી છે. ખાસ કરીને 'ચિલિમે ટનલ' ખાતે નેપાળી સેના અને ભારતની વિશેષ બચાવ ટુકડીઓ સંયુક્ત રીતે આધુનિક મશીનરીની મદદથી કાદવ અને વિશાળ પથ્થરો હટાવીને ઓપરેશન ચલાવી રહી છે.

સત્તાવાર આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે, પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 1,356 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 587 વિદેશી નાગરિકો સહિત કુલ 4,894 લોકો હજુ પણ ગુમ છે. આ આફતની અસર સરહદી તિબેટમાં પણ જોવા મળી છે, જ્યાં 43 લોકોના મોત નીપજ્યા છે અને 519 લોકો લાપતા બન્યા છે.

દુર્ઘટનાને બે અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવાથી, દુર્ગમ પર્વતીય વિસ્તારો, ધોવાઈ ગયેલા પુલો અને રસ્તાઓ વચ્ચે કાટમાળમાં દબાયેલા લગભગ 5 હજાર જેટલા ગુમ લોકોના જીવિત બચવાની આશાઓ હવે ધીમે ધીમે ક્ષીણ થઈ રહી છે. બાગમતી સહિતના નદી કાંઠાઓ પર હેવી મશીનરી વડે સફાઈ અને સર્ચ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

નેપાળમાં ભૂકંપ અને પૂરનો કહેર

નેપાળમાં પૂરના 13 દિવસ બાદ મંગળવારે રાત્રે 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 1356 લોકોના મોત થયા છે, જ્યારે 587 વિદેશીઓ સહિત આશરે 4894 લોકો ગુમ છે. ભારત અને નેપાળની સંયુક્ત ટીમો ચિલિમે સહિત 7 હાઇડ્રો પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા શ્રમિકોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.