Loading Please Wait !!!
વડોદરાના અકોટામાં નશાખોર કાર ચાલકનો આતંક: સ્કોર્પિયો ડિવાઈડર કૂદીને મકાનની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ!

  • પરોઢિયે પ્રચંડ ધડાકાથી અક્ષરધામ સોસાયટી ગુંજી ઉઠી – વોક પર નીકળેલા લોકો અને 3 બાઇકો માંડ બચ્યા
  • સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર મકાનની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી – લોકોએ ચાલક સચિન કશ્યપને ઘેરી લીધો
  • સચિન રાજેન્દ્ર કશ્યપ નામના શખ્સની પોલીસે કરી ધરપકડ – નશાની હાલતમાં કાર હંકારતા સર્જાયો અકસ્માત.

વડોદરાના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં આજે વહેલી પરોઢિયે એક કાળજું ધ્રુજાવતો અકસ્માત સર્જાયો હતો. અક્ષરધામ સોસાયટીમાં એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સીધી જ એક મકાનની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ હતી. પરોઢિયે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું ત્યારે થયેલા પ્રચંડ ધડાકાને કારણે સોસાયટીના રહીશો ફફડી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં બહાર દોડી આવ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ જોયું તો એક સ્કોર્પિયો કાર મકાનની કમ્પાઉન્ડ વોલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે દીવાલનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. સદનસીબે, તે સમયે મકાનની બહાર પાર્ક કરેલી ૩ મોટરસાયકલો કારની અડફેટે આવતા રહી ગઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે, વહેલી સવારે વોકિંગ માટે નીકળેલા અનેક લોકો આ અકસ્માતનો ભોગ બનતા માંડ બચ્યા હતા, નહીંતર મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત.

સ્થાનિકોએ તાત્કાલિક કારચાલકને ઘેરી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કારચાલક નશામાં ચૂર હતો. તેની પૂછપરછ કરતા તેનું નામ સચિન રાજેન્દ્ર કશ્યપ હોવાનું ખુલ્યું છે, જે વાસણા-ભાયલી રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે રહે છે. નશાની હાલતમાં પૂરઝડપે કાર હંકારતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.

પોલીસે સચિન કશ્યપની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે અકોટામાં બનેલી આ ઘટનાએ રહીશોમાં રોષ જન્માવ્યો છે. લોકોની માંગ છે કે આવા નશાખોર ચાલકો સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય. હાલમાં પોલીસે અકસ્માતગ્રસ્ત કારને કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે, ત્યારે વડોદરાની આ ઘટના વાહનચાલકો માટે એક લાલબત્તી સમાન છે.