જૂનાગઢ SOGનો સપાટો: ખામધ્રોળ ફાટક પાસે 53 નશાકારક બોટલ સાથે શખસ ઝડપાયો, મોરબી કનેક્શન ખુલ્યું!
- એસાન ઉર્ફે લય માડમની ધરપકડ - નશાના વેપાર માટે મોરબીના કેતન પાસેથી મેળવ્યો હતો જથ્થો
- કોઈ પણ બિલ કે પ્રિસ્ક્રિપ્શન વગર વહેંચાતું હતું સફેદ ઝેર - FSL ના અભિપ્રાય બાદ પોલીસની કડક કાર્યવાહી
- 68 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત - મોરબીના કેતન નામના શખસની શોધખોળ તેજ
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં નશાકારક પીણાં અને સીરપના વધતા દૂષણ સામે એસઓજી (Special Operations Group) એ લાલ આંખ કરી છે. શહેરના ખામધ્રોળ ફાટક પાસે વોચ ગોઠવીને એસઓજીની ટીમે ૫૩ નશાકારક બોટલો સાથે એક યુવાનને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ નશાના જથ્થાનું કનેક્શન મોરબી સાથે હોવાનું બહાર આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
એસઓજી સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાગઢના ચુનારવાડા વિસ્તારમાં રહેતો એસાન ઉર્ફે લય બાબુ માડમ મજેવડી દરવાજાથી ખામધ્રોળ ફાટક તરફ નશાકારક બોટલો વેચવા માટે જઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન સ્કૂટર પર પસાર થતા એસાનને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી ૫૩ નશાકારક બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા આ બોટલોના બિલ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની માંગણી કરવામાં આવતા આરોપી કોઈ પણ આધાર રજૂ કરી શક્યો નહોતો.
ઘટનાની ગંભીરતા જોઈ એફએસએલ (FSL) અને ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ બોટલો નશા માટે વપરાતી હોવાનું સાબિત થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એસઓજીની આકરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે આ નશાકારક બોટલો મોરબીના કેતન નામના શખસ પાસેથી વેચાણ કરવાના ઈરાદે મેળવી હતી. તે આ બોટલો જૂનાગઢમાં નશો કરનારા લોકોને છૂટક ભાવે વહેંચવા જઈ રહ્યો હતો.
પોલીસે ૫૩ બોટલ, મોબાઈલ અને સ્કૂટર સહિત કુલ ₹૬૮,૧૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસાન ઉર્ફે લય અને હાલમાં ફરાર એવા મોરબીના કેતન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ નેટવર્ક મોરબીથી જૂનાગઢ સુધી કેવી રીતે કાર્યરત હતું અને અન્ય કયા લોકો તેમાં સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જૂનાગઢ પોલીસની આ કામગીરીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.