Loading Please Wait !!!
પરીક્ષા આપવા જતાં મોરબીના યુવાનનું કાળમુખો અકસ્માત; જૂનાગઢ પાસે કાર પલટી ખાતા 19 વર્ષીય પૃથ્વીનું મોત

  • માખીયાળી બ્રિજ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત - હળવદના ભવાની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
  • ગડુ ખાતે કોલેજની પરીક્ષા દેવા જતી વખતે સર્જાયેલી દુર્ઘટના - મિત્ર વનરાજને પણ ઈજાઓ પહોંચી
  • માખીયાળી બ્રિજ અને વડાલ પાસે સર્જાયા અકસ્માતો - તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જૂનાગઢ તાલુકાના માર્ગો પર ગત તા. ૫ એપ્રિલના રોજ બે અલગ-અલગ અકસ્માતોમાં બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભવાની ગામનો એક યુવાન કોલેજની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે જ કાળ તેને આંબી ગયો હતો.

પ્રથમ ઘટનાની વિગત મુજબ, મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા પૃથ્વી મનુભાઈ સોલંકી (૧૯ વર્ષ) અને તેમના જ ગામના વનરાજ સોલંકી ગત તા. ૫ એપ્રિલના રોજ ભાડેથી ફોર વ્હીલ ગાડી કરીને ગડુ ખાતે કોલેજની પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા. જૂનાગઢ તાલુકાના માખીયાળી નવા બ્રિજ બાયપાસ પાસે કોઈ કારણોસર તેમની કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર પૃથ્વી સોલંકીને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વનરાજને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે પૃથ્વીના કાકા માનસિંગભાઈ વાઘજીભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢ તાલુકા પોલીસના પીએસઆઈ ડી.વી. બાલાસરાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી દુર્ઘટના જૂનાગઢના વડાલ ગામ પાસે બની હતી. ગીર વાડલા ગામના રહીશ ૨૬ વર્ષીય ખારૂદીન નાથાભાઈ પોતાની બાઈક લઈને વડાલ પાસેની ક્રિષ્ના હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમનું બાઈક પૂરપાટ ઝડપે ડિવાઈડર સાથે ભટકાતા તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમનું કરુણ મોત નોંધાયું હતું. આ કેસમાં પીઆઈ એફ.બી. ગગનીયાએ તપાસ શરૂ કરી છે. ૨૪ કલાકમાં બે યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત થતા હળવદ અને ગીર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.