Loading Please Wait !!!
ડીસામાં લોહાણા મહિલા મંડળના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ


=> જલારામ મંદિર હોલ ખાતે મળેલી બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

=> આગામી 18 મહિના માટે નવીન કારોબારી ટીમની જાહેરાત કરાઈ

સિટી ન્યૂઝ@રાજકોટ

ડીસામાં છેલ્લા 7 વર્ષથી સતત સક્રિય અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા 'ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ' ના અગાઉના પ્રમુખ અને તેમની ટીમની મુદત પૂર્ણ થતા નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી 18 માસના કાર્યકાળ માટે આ વરણી પ્રક્રિયા જલારામ મંદિર હોલ ખાતે આયોજિત સામાન્ય બેઠકમાં સર્વાનુમતે હાથ ધરવામાં આવી હતી. મંડળના માર્ગદર્શક આનંદ ઠક્કર દ્વારા પૂર્વ પ્રમુખ અને તેમની કારોબારીની કામગીરીની પ્રશંસા કર્યા બાદ લોહાણા ઇન્ટરનેશનલ મહિલા મંડળની નવીન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત તમામ મહિલા સભ્યોએ એકસૂરે તાળીઓ પાડીને નવીન ટીમના હોદ્દેદારોની વરણીને સહર્ષ સંમતિ આપી હતી અને તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ બીના ઠક્કરે અગાઉની ટીમમાં મંત્રી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પદગ્રહણ કર્યા બાદ તમામ સભ્યોનો આભાર માનતા જણાવ્યું હતું કે, જે રીતે અગાઉના મંત્રી પદ દરમિયાન તમામ સભ્યોએ પૂર્વ પ્રમુખની ટીમને પૂર્ણ સહકાર આપ્યો હતો, તેવો જ સાથ-સહકાર આ નવી ટીમને પણ મળતો રહેશે તેવી અપેક્ષા છે. સંસ્થા આગામી દિવસોમાં સામાજિક અને રચનાત્મક કાર્યો વધુ વેગવંતા બનાવશે.