Loading Please Wait !!!
"જૂનાગઢ ભાજપના ગ્રુપમાં મધરાતે અશ્લીલતાનો ઉછાળો: વોર્ડ-6 ના ગ્રુપમાં બિભત્સ વીડિયો લિંકથી ખળભળાટ"

  • મહિલા કાર્યકરો અને કોર્પોરેટરોની હાજરીમાં જ મર્યાદા ઓળંગાઈ - સ્ક્રીનશોટ વાયરલ થતાં સંગઠન બેકફૂટ પર
  • "મોબાઈલ પડી ગયો ને મેસેજ થઈ ગયો" - લિંક મોકલનારનો વિચિત્ર બચાવ, પક્ષના હોદ્દેદારોમાં ભારે રોષ
  • કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ અજાણ હોવાનો રાગ આલાપ્યો - શિસ્તબદ્ધ પક્ષની છબી ખરડાઈ

શિસ્ત અને સંસ્કારના મંત્ર સાથે ચાલતા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ સંગઠનમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. શહેરના 'વોર્ડ નંબર 6' ના ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં મધરાતે એક સભ્ય દ્વારા અશ્લીલ લખાણ ધરાવતી વીડિયો લિંક શેર કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. આ ગ્રુપમાં મહિલા કોર્પોરેટરો અને મહિલા કાર્યકરો પણ સામેલ હોવા છતાં આ પ્રકારની બિભત્સ લિંક આવતા સંગઠનની ગરિમાના ધજાગરા ઉડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 22 માર્ચની રાત્રે 1:57 વાગ્યે જ્યારે સમગ્ર શહેર નિદ્રાધીન હતું, ત્યારે વોર્ડ નંબર 6 ના ભાજપના ગ્રુપમાં અચાનક એક અશ્લીલ લિંક આવી હતી. ગ્રુપમાં હાજર અન્ય જાગૃત સભ્યોએ આ જોઈને તરત જ વિરોધ નોંધાવ્યો હતો. એક સભ્યએ ટકોર કરી હતી કે, "ભાઈ, આ ગ્રુપમાં આવા વીડિયો ન મૂકો, આમાં લેડીઝ પણ હોઈ શકે છે. આ ભાજપનું ગ્રુપ છે, જરા જોઈ લો કે તમે શું મૂકો છો." જોકે, આ મેસેજ વાયરલ થતાં મહિલા કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાની સુરક્ષા તેમજ ગરિમા સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.

આ મામલે વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો સંપર્ક કરવામાં આવતા તેમણે અત્યંત લૂલો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "હું સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરું છું, એટલે મને આ બાબતની ખબર નથી. જો આવું થયું હશે તો હું લિંક ડિલીટ કરવા માટે સૂચના આપી દઈશ." બીજી તરફ, જે વ્યક્તિના નંબર પરથી આ લિંક આવી હતી, તેણે પણ હાસ્યાસ્પદ બચાવ કરતા કહ્યું કે, "મારો મોબાઈલ હાથમાંથી પડી ગયો હતો અને કદાચ તેના કારણે અજાણતા જ આ લિંક ગ્રુપમાં સેન્ડ થઈ ગઈ હશે."

હાલમાં આ ઘટનાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં જ્યારે જવાબદાર હોદ્દેદારો અને એડમિન્સની હાજરીમાં આવી ઘટના બને ત્યારે વિપક્ષને પણ મોટું હથિયાર મળી ગયું છે. જૂનાગઢ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં આ વિવાદ 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે. સંગઠન દ્વારા આ બેજવાબદાર સભ્ય સામે કોઈ કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે કે કેમ અને એડમિન્સની બેદરકારી અંગે કોઈ ખુલાસો પૂછવામાં આવશે કે કેમ, તેના પર સૌની નજર મંડાયેલી છે.