ધોરાજીના વેપારી સાથે 55.17 લાખની છેતરપિંડી
=> વિશ્વાસ જીતવા શરૂઆતમાં 15 લાખ ચૂકવ્યા, બાદમાં 119 ગાડી માલ પડાવી લઈને સુરતના શખ્સે ધૂંબો માર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
ધોરાજીમાં મગફળીની ફોતરીનો વેપાર કરતા એક સ્થાનિક વેપારી સાથે સુરતના એક શખ્સે રૂ. ૫૫ લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સુરતના વેપારીએ શરૂઆતમાં નિયમિત પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ કુલ રૂ. ૭૦ લાખથી વધુની કિંમતની મગફળીની ફોતરી મંગાવી લીધી હતી અને બાદમાં બાકી નીકળતી રૂ. ૫૫.૧૭ લાખની રકમ ન ચૂકવી ધૂંબો મારી દીધો હતો.
મળતી વિગતો મુજબ, ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ખરાવડ પ્લોટ ખાતે પોતાના પિતાના નામે આવેલી યોગી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા મયુરભાઈ રણછોડભાઈ દેસાઈ (ઉ.વ. ૩૭) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમની પેઢી મગફળીની ફોતરી ખરીદીને બાયોકોલ (બાયોમાસ બ્રિકેટ્સ) બનાવતી કંપનીઓને વેચવાનું કામ કરે છે. ફેબ્રુઆરી ૨૦૨૫ માં, સુરતના રહેવાસી અને એમ વિશાલ એન્ડ કુ. ના માલિક વિશાલભાઈ મનજીભાઈ માંગુકીયાએ મયુરભાઈનો સંપર્ક કર્યો હતો. વિશાલભાઈએ જૂનાગઢ-ધોરાજી રોડ પર બાયોકોલનું નવું કારખાનું શરૂ કરવાનું જણાવી, ૧૫ થી ૨૦ દિવસની પેમેન્ટની શરતે ફોતરી ખરીદવાનો વેપાર નક્કી કર્યો હતો.
શરૂઆતમાં ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપી વિશાલ માંગુકીયાએ મોકલેલા માલના પેમેન્ટ પેટે ટુકડે-ટુકડે ૧૫,૦૦૦,૦૦ ચૂકવી આપ્યા હતા. આથી મયુરભાઈને તેના પર ભરોસો બેસી ગયો હતો. આ વિશ્વાસના આધારે ફરિયાદીએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૨૨ જુલાઈ ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન કુલ ૧૧૯ ગાડી (પાલ) મગફળીની ફોતરી વિશાલભાઈના કારખાને મોકલી આપી હતી. આ મોકલાયેલા કુલ માલની કિંમત રૂ. ૭૦,૧૭,૪૭૭ થતી હતી. જોકે, અગાઉ ચૂકવેલા ૧૫ લાખ રૂપિયા બાદ કરતા, બાકીના રૂ. ૫૫,૧૭,૪૭૭ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આરોપી વિશાલ માંગુકીયાએ ગલ્લાતલ્લા કરવાના શરૂ કર્યા હતા. લાંબા સમય સુધી પેમેન્ટ નહીં મળતા આથી તેમણે આખરે ધોરાજી પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. ધોરાજી પોલીસે આ મામલે આરોપી વિશાલભાઈ મનજીભાઈ માંગુકીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ ધોરાજીના પી.એસ.આઈ. એ.બી. કાકડિયા ચલાવી રહ્યા છે.