Loading Please Wait !!!
ગીરના જંગલમાં લાયસન્સ રદ થયેલા ગેરકાયદે રિસોર્ટને જમીન વેચવાની દરખાસ્ત!

 

  • ધારી ડીસીએફ દ્વારા રિઝર્વ ફોરેસ્ટની 0.3 હેક્ટર જમીન વેચવાની દરખાસ્ત કરાઈ.

  • શરતોના ભંગ બદલ 13 માર્ચ 2025 ના રોજ પ્રવાસન વિભાગે લાયસન્સ રદ કર્યું હતું.

  • અગાઉ રિસોર્ટ સંચાલકોએ વન વિભાગની સરહદી દીવાલ તોડીને રસ્તો બનાવ્યો હતો.

સિટી ન્યુઝ @ ધારી

ધારી, ગુજરાત હાઈકોર્ટ ગીર અભયારણ્ય નજીક ગેરકાયદે રિસોર્ટ સામે કડક વલણ અપનાવી રહી છે, ત્યારે અમરેલીના ધારી વન વિભાગની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. ધારી ડીસીએફ દ્વારા ખીચા ગામ નજીક લિયોનિયા રિસોર્ટને રસ્તો આપવા માટે રિઝર્વ ફોરેસ્ટની 0.3 હેક્ટર જમીન વેચવાની દરખાસ્ત કરવામાં આવતા મોટો વિવાદ થયો છે. પ્રવાસન વિભાગ દ્વારા આ રિસોર્ટનું લાયસન્સ અગાઉ રદ કરવામાં આવ્યું હોવા છતાં વનતંત્રના આશીર્વાદથી આ દરખાસ્ત કરાતા સિંહપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

ધારી તાલુકાના ખીચા ગામના સર્વે નંબર 184 ની જમીન વર્ષ 2018 માં વન વિભાગના અભિપ્રાય સાથે માત્ર રહેણાક હેતુ માટે બિનખેતી થઈ હતી. પરંતુ શરતોનો ભંગ કરીને અહીં લિયોનીયા હેરિટેજ હોમ સ્ટે એન્ડ રિસોર્ટ નામે આલીશાન વાણિજ્યિક પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ હતી. રિસોર્ટ સંચાલકોએ અગાઉ વન વિભાગની દીવાલ તોડીને ગેરકાયદે રસ્તો બનાવ્યો હોવા છતાં હવે ધારી ડીસીએફ દ્વારા નિયમોને નેવે મૂકીને રિઝર્વ ફોરેસ્ટની જમીન આપવાની દરખાસ્ત ગાંધીનગર પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવી છે.

વિરોધ બાદ પ્રવાસન વિભાગે 13 માર્ચ 2025 ના રોજ આ રિસોર્ટનું હોમ સ્ટે લાયસન્સ રદ કરી દીધું હતું. વાણિજ્યિક વપરાશની મંજૂરી ન હોવા છતાં અને લાયસન્સ રદ હોવા છતાં જંગલની જમીન પધરાવવાની આ તજવીજ કોના ઈશારે થઈ રહી છે તે મોટો સવાલ છે. અગાઉ પણ આવા જ વિવાદાસ્પદ નિર્ણયો લેવાયા હોવાના આક્ષેપો થયા છે.

એશિયાટિક સિંહના સંરક્ષણ માટે જાણીતા ગીરના જંગલમાં ઉદ્યોગો અને ગેરકાયદે રિસોર્ટ માલિકોને જમીનો ભેટ ધરી દેવાના પ્રયાસો સામે સિંહપ્રેમીઓ અને સ્થાનિક જાગૃત નાગરિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.

સરકારે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને જવાબદાર અધિકારીઓ સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે.

વન સંરક્ષણ અને કાયદો

વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ ગણાતી વનસંપદા અને વન્યજીવોના કુદરતી આవాસોનું રક્ષણ કરવું એ તંત્ર અને નાગરિકો બંનેની સંયુક્ત નૈતિક જવાબદારી છે.