ડીઝલ માટે હજુ પણ લાંબી લાઈનો જૈસે થે !
=> `માત્ર 5થી 10 લોકોને ડીઝલ મળે છે'
સિટી ન્યૂઝ@રાજકોટ
વર્તમાન સમયમાં ખેતીના કામો માટે ડીઝલની ભારે તંગી વર્તાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ અલંગ હાઈવે પર પેટ્રોલપંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોને ચાર-ચાર દિવસ સુધી પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને ઊભા રહેવાની ફરજ પડી છે. એટલું જ નહીં લાઈનમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતો જથ્થો ન મળતો હોવાની ખેડૂતોએ વેદના વ્યક્ત કરી હતી.સ્થાનિક ખેડૂત ઓમદેવસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર દિવસથી ડીઝલ માટે લાઈનમાં આવીને ઊભા રહીએ છીએ. પંપ પરથી એવું કહેવામાં આવે છે કે ડીઝલ આવી રહ્યું છે, લાઈનમાં ઊભા રહો.
પરંતુ માંડ 5થી 10 જણાને ડીઝલ મળે ત્યાં જ સ્ટોક પૂરો થઈ જાય છે અને પંપ બંધ થઈ જાય છે. અમારે મોડી રાત સુધી વારાની રાહ જોઈને બેસી રહેવું પડે છે અને અંતે ખાલી હાથે ઘરે પાછા વળી જવું પડે છે.બીજી તરફ ખેડૂતોનો કિંમતી સમય લાઈનોમાં વેડફાઈ રહ્યો છે ત્યારે જો આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે, તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. જગતના તાતની માંગ છે કે તંત્ર આ બાબતને ગંભીરતાથી લે અને વહેલી તકે સ્ટોકની અછત દૂર કરે.
અમારે ખેતી કઈ રીતે કરવી: ખેડૂત
ખેડૂતોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે જેમાં બહાર એવી વાતો વહેતી કરવામાં આવી રહી છે કે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જોવા મળી રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, પંપ પર પૂરતો સ્ટોક જ આવતો નથી. અત્યારે ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે જ ડીઝલ મળતું નથી. દિવસ-રાત લાઈનોમાં બેઠા રહેવા છતાં જો ડીઝલ ન મળે, તો અમારે ખેતી કઈ રીતે કરવી ?"