અમેરિકાના મૃતકોની ત્વચાથી કોરિયામાં બને છે બ્યુટી ઇન્જેક્શન!
- દાનમાં મળેલી ચામડીથી ચમકદાર ત્વચા મેળવવાનો અજીબોગરીબ ટ્રેન્ડ!
- સુંદરતા પાછળનું આ કડવું અને ડરામણું સત્ય ઉજાગર!
- મૃત શરીરની પેશીઓથી યુવાન દેખાવાની અતિમોંઘી ફેશન!
સિટી ન્યુઝ @ વાશિંગ્ટન
શરીરનું દરેક અંગ અમૂલ્ય છે અને ત્વચા માનવીની સુંદરતા દર્શાવે છે, પરંતુ હાલમાં જ દુનિયાભરમાં પ્રખ્યાત બ્યુટી ટ્રેન્ડ પાછળનું એક એવું કડવું સત્ય સામે આવ્યું છે જેણે નૈતિકતા પર ગંભીર સવાલો ખડા કર્યા છે.
દક્ષિણ કોરિયાની બાયોટેક કંપનીઓ અમેરિકી નાગરિકોના મૃત્યુ પછી દાનમાં મળેલી ત્વચા (ટિશ્યુ) ને પ્રોસેસ કરીને પ્રવાહી ઇન્જેક્શનમાં ફેરવી રહી છે, જેનાથી ચહેરાની કરચલીઓ મિટાવીને યુવાન દેખાવાનો દાવો કરાય છે.
અમેરિકામાં મૃત્યુ પામેલા લોકોની પેશીઓ હજારો માઈલ દૂર દક્ષિણ કોરિયાની હાઈ-ટેક લેબમાં પહોંચે છે અને ત્યાંથી તેને 'બ્યુટી એન્ડ સ્કિન બૂસ્ટર' તરીકે બજારમાં વેચવામાં આવે છે.
આ ચોંકાવનારી પ્રક્રિયા સામે આવ્યા બાદ વૈશ્વિક સ્તરે માનવ અંગો અને પેશીઓના વેપાર તેમજ તેની નૈતિક સીમાઓ અંગે ભારે ચર્ચા અને વિવાદ શરૂ થઈ ગયો છે.
લોકોમાં યુવાન દેખાવાની ઘેલછા અને બ્યુટી ઇન્ડસ્ટ્રિઝની આ અતિ-આધુનિક રેસ હવે માનવ સંવેદનાઓ અને મર્યાદાઓને પણ વટાવી રહી છે તેવું આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે.
મૃતકોની ત્વચા અને કોરિયન બ્યુટી ઇન્જેક્શનનું કડવું સત્ય
અમેરિકામાં મૃત્યુ પામેલા નાગરિકોની દાનમાં મળેલી ત્વચાને દક્ષિણ કોરિયાની લેબમાં પ્રોસેસ કરીને બ્યુટી ઇન્જેક્શન બનાવવાનો આ મામલો આધુનિક સુંદરતાના પાખંડ અને નૈતિક અધપતનનો ઉત્તમ નમૂનો છે. ત્વચા દાનના પવિત્ર ઉદ્દેશ્યને વેપારીકરણની ભઠ્ઠીમાં હોમીને તેને કરચલીઓ મિટાવવાના સ્કિન બૂસ્ટર તરીકે વાપરવું એ માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના છે. આ ગ્લોબલ બ્યુટી ટ્રેન્ડે સાબિત કરી દીધું છે કે ગ્લેમર અને સુંદરતાની પાછળ દુનિયા કયા હદ સુધી નીચે જઈ શકે છે, જેણે નૈતિકતા અને કાયદાકીય નિયમનો સામે ગંભીર પ્રશ્નાર્થો ખડા કર્યા છે.
ભારતમાં માનવ અંગોનો વેપાર ગેરકાયદેસર
ભારતમાં માનવ અંગો-પેશીઓનો વ્યવસાયિક કારોબાર, ખરીદ-વેચાણ અને નફો કમાવવો ગેરકાયદેસર છે. આવું કરવા પર ભારે દંડ અને જેલની જોગવાઈ છે. તબીબી અને વૈજ્ઞાનિક સંશોધન માટે નિયમો હેઠળ માનવ જૈવિક નમૂનાઓ અને પેશીઓની આયાત-નિકાસ નિયમો અનુસાર કરી શકાય છે.
2030 સુધીમાં થશે એક લાખ કરોડનું બજાર
ભારતમાં કોસ્મેટિક સર્જરીનું બજાર ઝડપથી વધી રહ્યું છે. તે 2030 સુધીમાં 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.
હોંગકોંગમાં દરોડા
હોંગકોંગના સ્વાસ્થ્ય વિભાગે ચાર બ્યુટી હોસ્પિટલો પર પાડેલા દરોડામાં 'એલરેવી રી2ઓ' (Elravie Re2O) ઇન્જેક્શન જપ્ત કર્યા, ત્યારે વિતરકે જણાવ્યું કે તેને અમેરિકી મૃત દાતાઓની પેશીઓમાંથી બનાવવામાં આવે છે. આ ટ્રીટમેન્ટે 'હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ડિનન્સ' હેઠળ જરૂરી છૂટ લીધી ન હતી.
આ પણ જાણોઃ
* સ્કિન-ઇન્જેક્શન્સનો કારોબાર 712 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
* દક્ષિણ કોરિયન બ્રાન્ડની હિસ્સેદારી લગભગ 70 ટકા છે.
* કોરિયા તેની 3% પેશીઓ અમેરિકા પાસેથી લે છે, જ્યારે 4% કરતાં પણ ઓછા લોકો અંગદાન માટે રજિસ્ટર્ડ છે.
* અમેરિકાની અડધાથી વધુ (4થી વધુ) વસ્તી અંગદાન માટે રજિસ્ટર્ડ છે.