ઈરાને સમુદ્ર નીચેની ઇન્ટરનેટ કેબલ્સ કાપવાની ધમકી આપી!
-
ફ્રાન્સ અને તૂર્કિયે દ્વારા યુદ્ધ સામે ગંભીર ચિંતા!
-
સંભવિત હુમલાથી વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવમાં ભારે ઉછાળો!
-
હોર્મુઝ સ્ટ્રેટની કેબલ્સ નષ્ટ થવાથી ઇન્ટરનેટ પ્રભાવિત થશે!
સિટી ન્યુઝ @ તહેરાન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી એકવાર સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ વ્યાપક બનવાની અને તણાવ વધવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે.
ફ્લોરિડામાં એક રેલી દરમિયાન ટ્રમ્પે આપેલા આ સંકેતો બાદ ફ્રાન્સ અને તૂર્કિયે સહિતના અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રકારની સૈન્ય કાર્યવાહીથી ઓઈલના ભાવ ભડકી શકે છે અને આ સમસ્યાનો ઉકેલ માત્ર ડિપ્લોમસીથી જ શક્ય છે.
સંભવિત હુમલાની ચેતવણી સામે પ્રતિક્રિયા આપતા ઈરાની સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ ધમકી આપી છે કે જો તેમના દેશ પર હુમલો થશે તો તેઓ પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ નીચે પાથરેલી મહત્વપૂર્ણ ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવશે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના જણાવ્યા અનુસાર તેમની પાસે હોર્મુઝ સ્ટ્રેટ નીચે આવેલી મુખ્ય ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે, જેનાથી અમેરિકા અને તેના સહયોગી દેશોને ભારે આર્થિક તથા ટેક્નિકલ ફટકો પડી શકે છે.
સમુદ્ર નીચેની આ કેબલ્સ વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો વહન કરતી હોવાથી, તેને નુકસાન થવાથી વિશ્વભરમાં ઇન્ટરનેટ સ્પીડ ધીમી પડવાની સાથે ઓનલાઇન બિઝનેસ અને ગલ્ફ દેશોના ટેકનોલોજી સેક્ટર પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
મધ્ય પૂર્વનું વધતું તણાવ અને વૈશ્વિક ઇન્ટરનેટ તથા આર્થિક સુરક્ષા
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો સૈન્ય તણાવ માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ગંભીર અસરો સર્જી શકે છે. ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની ચેતવણી સામે ઈરાન દ્વારા પર્સિયન ગલ્ફની પાણીની નીચે રહેલી ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન કેબલ્સને નિશાન બનાવવાની ધમકી એ આધુનિક યુદ્ધની એક ભયાનક તસવીર રજૂ કરે છે. જો આ કેબલ્સ નષ્ટ થાય તો વૈશ્વિક અર્થતંત્ર, ડિજિટલ બિઝનેસ અને ટેક્નોલોજી ક્ષેત્રને અકલ્પનીય નુકસાન થઈ શકે છે. આ વૈશ્વિક સંકટને ટાળવા માટે સૈન્ય ટકરાવને બદલે કૂટનીતિક વાટાઘાટો અને શાંતિપૂર્ણ માર્ગ અપનાવવો જ સમગ્ર માનવજાતના હિતમાં છે.