અમેરિકન એક્સપ્રેસ કાર્ડ કાઢી આપવાના નામે ક્રેડિટ કાર્ડ ધારક સાથે ઠગાઈ!
-
સોલાર પાવર કંપનીના કર્મચારી સાથે સાયબર ઠગાઈની ઘટના બની.
-
અજાણ્યા શખ્સે બેંક કર્મચારી તરીકે ઓળખ આપીને લાલચ આપી હતી.
-
પ્લેટિનમ વર્ચ્યુઅલ કાર્ડ મોકલીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાયો હતો.
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર, ભાવનગરના ગારીયાધારમાં રહેતા અને અમદાવાદની પટેલ ગ્રીન ટેક કંપનીના લેન્ડ લીઝ ઓથોરાઈઝર સાથે રૂ. 3,85,984 ની સાયબર ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે અમેરિકન એક્સપ્રેસ બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને ક્રેડિટ કાર્ડ કાઢી આપવાની લાલચ આપી હતી અને પીડિતના ફોનમાં એપીકે ફાઈલ દ્વારા એક્સેસ મેળવી લીધો હતો. આ અંગે ગારીયાધાર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂળ પંજાબના અને હાલ ગારીયાધારમાં સોલાર પાવર કંપનીમાં ફરજ બજાવતા સૌરભ યાદવને ગત 2 જુલાઈના રોજ એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. ઠગે અમેરિકન એક્સપ્રેસ બેંકનું ક્રેડિટ કાર્ડ આપવાનું કહી એક લિંક મોકલી હતી, અને એપીકે ફાઈલ ઓપન કરાવતા જ મોબાઈલમાં એપ્લિકેશન ઓટો-ઇન્સ્ટોલ થઈ ગઈ હતી. ત્યારબાદ 11 જુલાઈએ ફરી ફોન કરી સિબિલ સ્કોર અને પર્સનલ વિગતો ભરાવીને તેમને પ્લેટિનમ વર્ચ્યુઅલ કાર્ડ મોકલી આપવામાં આવ્યું હતું.
ગત 16 જુલાઈના રોજ ઠગે વેરિફિકેશનના બહાને લાંબો સમય ફોન ચાલુ રખાવી કાર્ડ એક્ટિવેટ થયાનો મેસેજ મોકલ્યો હતો. બાદમાં 20 જુલાઈના રોજ પીડિતે પોતાના જૂના SBI ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ ચેક કરતાં, તેમની જાણ બહાર કુલ ચાર ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 3,85,984.24 ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મા અંગે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે BNS તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર સુરક્ષા અને જાગરૂકતા
ઓનલાઇન ફ્રોડ અને ફેક એપ્લિકેશન્સથી બચવા માટે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવતી લિંક કે APK ફાઈલ્સ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ અને ક્યારેય પણ બેંક વિગતો શેર ન કરવી જોઈએ.