Loading Please Wait !!!
રૈયા રોડ પર સાર્વજનિક સેવા સમિતિનો છાસ વિતરણ યજ્ઞ

  • બીજા તબક્કાના 2 સપ્તાહમાં 3500થી વધુ રાહદારીઓએ લીધો લાભ
  • વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી સેવાકર્મીઓનો ઉત્સાહ વધાર્યો

સિટી ન્યૂઝ@રાજકોટ : માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતી સાર્વજનિક સેવા સમિતિ દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામે, રૈયા રોડ ઉપર છેલ્લા 2 સપ્તાહથી દર શનિ-રવિ ઠંડી છાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ સેવા કાર્ય દરમિયાન 3500 થી વધુ લોકોએ છાસ સેવાનો લાભ લીધો હતો. ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા રાહદારીઓ, શ્રમિકો અને વાહનચાલકો ઠંડી છાસ પીને ભારે પ્રસન્નતા અનુભવી રહ્યા છે.

આ સેવાકાર્ય પ્રસંગે જિલ્લા ભાજપ મીડિયાના અગ્રણી અરુણભાઈ નિર્મળ, મેડિકલ કોલેજના ગ્રંથપાલ રાજુભાઈ ત્રિવેદી, વી.વી.પી. કોલેજના નીલદીપભાઈ ભટ્ટી, જીવદયા પ્રેમી પારસભાઈ મોદી, વિજયભાઈ રાઠોડ, ચેતનભાઈ મજીઠિયા, સંજયભાઈ દોશી અને સમાજ સેવક શિવલાલભાઈ પાંભર સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને સેવાકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

લોકો સુધી ઠંડી છાસ પહોંચાડવાના આ સેવાકાર્યને સફળ બનાવવા માટે સમિતિના રાજુભાઈ જુંજા, જયેશભાઈ પટેલ, નવીનભાઈ ગોરડીયા, માવજીભાઈ મારુ, એડવોકેટ મનીષભાઈ દવે, એડવોકેટ રાજનભાઈ જોબનપુત્રા, અલ્પેશભાઈ ડાંગરીયા, હાર્દિકભાઈ જોશી, કરણભાઈ જુંજા, નરશીભાઈ અને મનહરભાઈ સિંહોરા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

શરીરનું તાપમાન જળવાઈ રહે તે મુખ્ય હેતુ: રાજુભાઈ જુંજા
આ છાસ સેવા યજ્ઞના આયોજક રાજુભાઈ જુંજાએ જણાવ્યું હતું કે, "તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે લોકોના શરીરનું તાપમાન જળવાઈ રહે અને મનને ટાઢક મળે એ અમારી આ સેવા પાછળનો મુખ્ય હેતુ છે. આ પ્રકારના સેવાકાર્યથી સમાજમાં સહકાર અને સહાનુભૂતિનો સંદેશ ફેલાય છે. અમારી સાર્વજનિક સેવા સમિતિ ભવિષ્યમાં પણ આવી માનવતાભરી સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રાખશે."