Loading Please Wait !!!
'વંદે કમલમ' પર દાવેદારોનો ભારે ધસારો, અવ્યવસ્થા વચ્ચે અનેક કાર્યકરો ફોર્મ ભર્યા વગર પરત!

  • ધોમધખતા તાપમાં મંડપ વગર શેકાયા કાર્યકરો - પાણીના જગ ખાલી થયા, વાઘોડિયા અને વડોદરા તાલુકાની સીટો માટે પડાપડી
  • ભીડ એટલી કે બેસવાની પણ જગ્યા ન રહી - મોડી રાત સુધી ચાલી નિરીક્ષકોની બેઠક, ગરમીએ દાવેદારોની ધીરજ ખૂટવી
  • ચૂંટણી જાહેર થઈ હોવા છતાં સરકારી સંસ્થામાં બેઠક યોજાતા વિવાદ - ભાજપ કહે છે, "પત્ર આવે પછી જ અમલ કરીશું."

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. ડભોઇ રોડ પર આવેલા ભાજપના કાર્યાલય 'વંદે કમલમ' ખાતે આજે બીજા દિવસે પણ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી, પરંતુ આયોજનના અભાવે કાર્યકરો અને દાવેદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ભીડ અને ગરમીએ લીધી કસોટી વાઘોડિયા અને વડોદરા તાલુકાની બેઠકો માટે દાવેદારી કરવા આવેલા કાર્યકરોની સંખ્યા એટલી મોટી હતી કે કાર્યાલય નાનું પડ્યું હતું. બહાર ધોમધખતા તાપમાં મંડપની કોઈ વ્યવસ્થા ન હોવાથી નેતાઓ પરસેવે રેબઝેબ થયા હતા. પાણી પીવા માટે રાખેલા જગ પણ ખાલી થઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અવ્યવસ્થાથી કંટાળીને કેટલાક મજબૂત દાવેદારો તો પોતાના ફોર્મ આપ્યા વગર જ પરત ફર્યા હતા, જે આગામી સમયમાં પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આચારસંહિતા ભંગનો વિવાદ બીજી તરફ, કરજણ APMC માં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કાયદાકીય વિવાદ સર્જાયો છે. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી હોવા છતાં સરકારી સહાય મેળવતી સંસ્થા APMC ના પરિસરમાં રાજકીય બેઠક યોજવા સામે વિરોધ પક્ષોએ સવાલ ઉઠાવ્યા છે. જોકે, ભાજપના સ્થાનિક નેતાઓ આક્ષેપોને ફગાવી રહ્યા છે. રાજકોટમાં પણ આવી જ સેન્સ પ્રક્રિયાઓ શરૂ થવાની છે ત્યારે વડોદરાની આ ઘટના અન્ય જિલ્લાઓ માટે શિખામણરૂપ બની છે.