Loading Please Wait !!!
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત સજ્જ: ઇન્ટરનેશનલ ડેલીગેશનનું રાજ્યમાં આગમન, વડોદરા અને અમદાવાદના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થશે નિરીક્ષણ!

  • કોમનવેલ્થ સ્પોર્ટ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં ટીમ ગુજરાતની મુલાકાતે – મુખ્યમંત્રીએ આપી વર્લ્ડ ક્લાસ સુવિધાઓની ખાતરી
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને કેવડિયા સુધી તૈયારીઓનું થશે આકલન – વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ પણ ડેલીગેશનના લિસ્ટમાં
  • વીર સાવરકર કોમ્પ્લેક્સ અને એકા એરેનાની મુલાકાત લેશે ટીમ – વડોદરાના રમતગમત સ્થળોનું પણ થશે બારીકાઈથી નિરીક્ષણ

વર્ષ ૨૦૩૦ માં ગુજરાતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG-2030) ની તૈયારીઓ હવે સત્તાવાર રીતે આગળ વધી રહી છે. આ ભવ્ય રમતોત્સવના સફળ આયોજન માટે રાજ્યની ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભ્યાસ કરવા માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની પ્રથમ ડેલીગેશન આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતથી ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર સ્થાપિત કરવાની દિશામાં એક મોટું ડગલું ભરાયું છે.

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ટીમ અને ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ ૮ એપ્રિલ થી ૧૧ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં રોકાણ કરશે. આ ટીમ ખાસ કરીને અમદાવાદના વીર સાવરકર કોમ્પ્લેક્સ, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને એકા એરેનાની મુલાકાત લેશે. આ ઉપરાંત ગાંધીનગરના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને એકતા નગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પણ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે આ પ્રવાસ દરમિયાન ટીમ વડોદરાના વિવિધ રમતગમતના સ્થળોની પણ મુલાકાત લેશે. વડોદરાના ક્રિકેટ સ્ટેડિયમ સહિતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે, જેથી જાણી શકાય કે કઈ રમતો માટે વડોદરા યોગ્ય યજમાન બની શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડેલિગેશન સાથેની બેઠકમાં સ્પષ્ટ ખાતરી આપી છે કે, ગુજરાત સરકાર ૨૦૩૦ ની ગેમ્સ માટે વડોદરા સહિતના તમામ સ્થળોએ આંતરરાષ્ટ્રીય સ્તરનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સુવિધાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરશે.

વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટના આયોજન માટે જે તે સ્થળની કનેક્ટિવિટી, રહેવાની સુવિધા અને સ્ટેડિયમની ગુણવત્તા અત્યંત મહત્વની હોય છે. ડેલીગેશન દ્વારા આ તમામ પાસાઓનો ગહન અભ્યાસ કરવામાં આવશે. આ મુલાકાત બાદ તૈયાર થનારો રિપોર્ટ ગેમ્સના આયોજનની રણનીતિ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ગુજરાત જે રીતે અગાઉ નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરી ચૂક્યું છે, તે જોતા કોમનવેલ્થ ગેમ્સ માટે પણ રાજ્ય સરકાર અને ખેલ જગત અત્યંત ઉત્સાહિત છે.