સોમનાથ કોરિડોરમાં ખાંટ રાજપૂતોના ગૌરવ માટે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત
=> શૂરવીરોના ગૌરવપૂર્ણ બલિદાનોને સ્થાન આપવાની લેખિત આવેદનપત્ર
સિટી ન્યૂઝ@ગૌરવ ગાજીપરા–વીરપુર
પ્રભાસ પાટણ ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ઐતિહાસિક યોગદાન અને ધર્મરક્ષક બલિદાનોને સત્તાવાર સ્થાન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે. ક્ષત્રિય ખાંટ રાજપૂત શૌર્યગાથા ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર પ્રાંત) ના આગેવાનો અને યુવાનોએ ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને સમાજના ઇતિહાસ અને પરંપરા અંગે વિગતવાર રજૂઆત કરી હતી. રજૂઆત મુજબ, સોમનાથ મંદિરની રક્ષા કાજે વિધર્મી આક્રમણો સામે અનેક રાજપૂત શૂરવીરોએ પ્રાણ ન્યોછાવર કર્યા હતા. સોમનાથની સખાતે ચડેલા આ શૂરવીરોના વંશજો આજે ‘ક્ષત્રિય ખાંટ રાજપૂત દરબાર સમાજ’ તરીકે ઓળખાય છે, જેમનો ઇતિહાસ અત્યંત ગૌરવશાલી રહ્યો છે.
ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વંશાવળી આધારિત ઇતિહાસ, બારોટી ચોપડા અને સાહિત્યિક પુરાવાઓ રજૂ કરાયા હતા. પૂર્વજોના આ ઐતિહાસિક બલિદાનને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે સોમનાથ કોરિડોરમાં યોગ્ય સ્થાન ફાળવવાની માંગણી દોહરાવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરાવાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી આ રજૂઆત ગંભીરતાથી સાંભળી હતી. તેમણે આ સાંસ્કૃતિક ધરોહર અને સુવર્ણ ઇતિહાસને ઉજાગર કરવાના પ્રયાસની પ્રશંસા કરી યોગ્ય કાર્યવાહી કરવાની હકારાત્મક ખાતરી આપી હતી. વર્ષ ૨૦૨૬ માં સોમનાથ મંદિર પુનર્નિમાણના ૭૫ વર્ષ નિમિત્તે ‘સોમનાથ અમૃત પર્વ’ યોજાનાર છે. ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે ઇતિહાસને સત્તાવાર સ્થાન અપાવવા માટે ભવિષ્યમાં પણ કાયદાકીય અને દસ્તાવેજી પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
આ રજૂઆત બાદ સમગ્ર સમાજમાં ભારે ઉત્સાહ વ્યાપ્યો છે. સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોને ગૌરવપૂર્ણ સ્થાન આપવાની માંગ ઇતિહાસના સંરક્ષણ માટે મહત્વની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હકારાત્મક ખાતરી બાદ સમગ્ર સમાજમાં ભારે આશા અને ઉત્સાહનો માહોલ છે.