બુટલેગરે જ દેશી દારૂમાં ઝેરી દવા ભેળવી બે મિત્રોને મોતને ઘાટ ઉતારી દીધાની ફરિયાદ
=> બુટલેગર જીણા ભગતનું પોલીસને ઘર દેખાડ્યું હોવાનો ખાર રાખી ઘડ્યો હતો પ્લાન
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના આરટીઓ પાછળ હુડકો ક્વાર્ટરમાં રહેતા વિનયભાઈ મનસુખભાઈ ડાભી ઉ.30એ ભગીરથ સોસાયટીમાં રહેતા જીણા વિઠ્ઠલભાઈ ગોહિલ સામે તેના પિતા મનસુખભાઇ ડાભી અને પિતાના મિત્ર અલ્પેશભાઈ સાબરીયાને દેશી દારૂમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવી પીવડાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું હાલ સંતકબીર રોડ પર વિશાલભાઈના ઈમીટેશનના કારખાનામાં મજૂરીકામ કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ અમારૂ વડીલો પાર્જીત મકાન ભગીરથ સોસાયટી, શેરી નં-૧૦ કોર્નર ખાતે આવેલ હોય જે મકાન પાડી નાખી નવુ બાંધકામ કરવાનું હોય તેથી મારા પિતા ત્યા અમારા જૂના મકાને છેલ્લા પાંચ-છ દિવસથી ત્યાં જ રહે છે ગત તા.17ના રોજ હુ મારા ઘરથી દૂર મારા મિત્ર ભાર્ગવ તથા લાલો રાત્રીના બેઠો હતો ત્યારે મારા પિતાનો મારા મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને કહેલ કે મને પેટમાં દુખે છે તુ આવી જા. મે કહેલ કે હમણા નાનો નીલેશ ટીફીન લઇને આવે છે અને પૂછેલ કે કેમ પેટ મા દુખે છે.? તો મારા પિતાએ મને કહેલ કે, હું તથા અલ્પેશ દારૂ પીવા બેઠા હતા અને તે દારૂ જીણા ભગતના ઘરેથી અલ્પેશ લાવેલ હતો આ દારૂ પીધા બાદ બન્નેને પેટમા દુખાવો થવા લાગ્યો છે આ જીણા ભગતે દારૂમા કાંઇક ભેળવ્યુ હોય તેવુ મને લાગે છે આથી હું મારા પપ્પા પાસે જવા નીકળ્યો હતો તે દરમ્યાન રસ્તામા મારા નાના ભાઈ નીલેશનો ફોન આવેલ અને મને જણાવેલ કે, હું પપ્પાને ટીફીન આપવા ગયો હતો અને ત્યા પપ્પા તથા એક અજાણ્યા ભાઈ બેભાન હાલાતમા પડેલ છે અને મે આ લોકોને ઉઠાડવાની કોશીષ કરેલ હોય પરંતુ કાંઇ બોલતા ન હોય જેથી તુ તાત્કાલીક અહીં આવ તેમ મારા ભાઇએ જણાવતા મે કહેલ કે હુ રસ્તામાં જ છુ થોડીવારમા જ પહોચુ છુ થોડીવાર બાદ હુ ત્યાં પહોંચેલ અને જોયુ તો મારા પપ્પા તથા તેની સાથે રહેલ તેના મિત્ર અલ્પેશભાઈ સાબરીયા બન્ને બેભાન હાલાતમાં પડેલ હતા જેથી મે તુરત જ 108મા ફોન કરતા થોડીવારમાં બે 108એમ્બુલન્સ આવી ગયેલ અને મારા પપ્પા તથા અલ્પેશભાઇ બન્નેને સરકા રી હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા ત્યાં ઇમરજન્સી ખાતે ફરજ પરના તબીબોએ બંનેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે મારા પપ્પા છેલ્લા પાંચેક વર્ષથી દારૂ પીવાની ટેવ ધરાવે છે અને અલ્પેશભાઈ સાબરીયા મારા પપ્પાના મિત્ર હોય તે બન્ને અવાર-નવાર સાથે દારૂ પીતા હતા
પાંચેક મહીના પહેલા પોલીસ ઘરે આવી હતી અને જીણા ભગતનું ઘર ક્યાં છે તેમ પૂછતા મારા પપ્પાએ જીણા ભગતનુ ઘર બાજુની ગલીમા હોય તે બતાવ્યુ હતુ તે પછી આ જીણો ભગત મારા પપ્પા સાથે ઝઘડો કરતો હતો અને કહેતો હતો કે તે કેમ પોલીસને મારૂ ઘર બતાવ્યુ હુ તને જીવતો નહી રહેવા દઉં. ઉપરાંત મારા પપ્પાનુ મકાન આ જીણા ભગતને લઇ લેવુ હોય પપ્પાને મકાન આપી દેજો નહીતર હુ તને મારી નાખીશ તેવુ કહેતો હતો. આ વાત મને મારા પપ્પાએ ઘણી વખત કહી હતી આમ આ જીણા ભગતે મારા પપ્પા મનસુખભાઈને તથા તેના મિત્ર અલ્પેશભાઇ સાબરીયાને દેશી દારૂમા કોઇ ઝેરી પદાર્થ આપી મોત નીપજાવ્યુ હોવાની ફરીયાદ નોંધાવતા પીઆઇ ચૌહાણ સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જો કે દારૂમાં શું ભેળવ્યું હતું તે હજુ ચોક્કસ જાણી શકાયું નથી. જેથી એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ધરપકડ ટાળવા આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ : પોલીસ સ્ટેશનમાં હંગામો
દરમિયાન, તપાસ દરમિયાન આરોપી જીણા ગોહિલે કબૂલાત કરી હતી કે તેણે બંને મિત્રોને દારૂમાં વંદા અને મચ્છર મારવાનો ઘાતક સ્પ્રે ભેળવીને પીવડાવ્યો હતો. પોલીસ જ્યારે આ આરોપીની ધરપકડની કાર્યવાહી કરી રહી હતી, ત્યારે આરોપીએ ટેબલ નીચે પડેલો સ્પ્રે જોઈ લીધો હતો. પોલીસને ચકમો આપી, સ્ટાફને ધક્કો મારી આરોપીએ પોતાના મોઢામાં સ્પ્રેના અનેક રાઉન્ડ છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પોલીસ ટીમે ત્વરિત હસ્તક્ષેપ કરી આરોપીના હાથમાંથી સ્પ્રે છીનવી લીધો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આરોપીની આ હરકત બાદ તેની સામે હત્યાના ગુના ઉપરાંત, પોલીસ ફરજમાં અવરોધ અને આપઘાતનો પ્રયાસ કરવા બદલ અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.