બ્રિટિશ રોયલ નેવીના ડ્રોનમાં ચીની IP એડ્રેસ પર ડેટા મોકલવાની ખામી પકડાઈ!
-
ક્રેકેન ટેકનોલોજી ગ્રુપ દ્વારા સપ્લાય કરાયેલા ડ્રોનમાં થર્ડ પાર્ટી કેમેરા વપરાયા હતા.
-
સ્પેશ્યલ ફોર્સીઝ ટ્રેનિંગ એરિયાની આસપાસ આ ડ્રોન્સ ગોઠવવામાં આવ્યા હતા.
-
રૂટિન સાઇબર સિક્યોરિટી સમીક્ષા દરમિયાન આ મોટી સુરક્ષા ખામી પકડાઈ હતી.
સિટી ન્યુઝ @ લંડન
લંડન, બ્રિટનના રોયલ નેવીમાં ઉપયોગમાં લેવામાં આવતા K-3 સ્કાઉટ ઓબ્ઝર્વેશન્સ ડ્રોનને લઈને મોટું રાષ્ટ્રીય સંકટ સર્જાયું છે. એક ઉચ્ચસ્તરીય તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રોન્સમાં લાગેલા કેમેરા એક ચાઇનીઝ IP એડ્રેસ પર હાર્ટબીટ કમ્યુનિકેશન્સ ડેટા મોકલી રહ્યા હતા, જેના પગલે આખા બ્રિટનમાં મોટો હોબાળો મચી ગયો છે. બ્રિટિશ ડિફેન્સ કોન્ટ્રાક્ટર ક્રેકેન ટેકનોલોજી ગ્રુપ તરફથી નૌકાદળને સપ્લાય કરવામાં આવેલા આ ડ્રોન્સનો ઉપયોગ બ્રિટિશ રોયલ નેવી દ્વારા માર્ચથી કરવામાં આવી રહ્યો હતો.
અત્યંત સંવેદનશીલ લશ્કરી બેઠકો અને સ્પેશ્યલ ફોર્સીઝ ટ્રેનિંગ એરિયાની આસપાસ આ ડ્રોન્સ ગોઠવવામાં આવ્યા હોવાના લીધે ડેટા લીક થવાની ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં જોવા મળ્યું છે કે ડ્રોન્સમાં લાગેલા થર્ડ પાર્ટી કેમેરાના કેટલાક હિસ્સા ચીનમાં બનીને આવ્યા હતા અને તે ચીન સ્થિત સર્વર IP એડ્રેસ પર સતત હાર્ટબીટ સિગ્નલ મોકલતા હતા. ડ્રોન સંપૂર્ણપણે બંધ થયા પછી પણ આ કેમેરા એક્ટિવ રહેતા હોવાથી બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે ડ્રોન્સમાંથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી હટાવી દીધી છે.
દરમિયાન, તાઇપે ટાઇમ્સના અહેવાલ મુજબ અન્ય એક ઘટનામાં હુઆંગ અને વાંગ પર તાઇવાનના વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર લાખો તાઇવાનીઝ નાગરિકોનો રેકોર્ડ મેળવીને ચીનની જાસૂસી સંસ્થાઓને જાણકારી પૂરી પાડવાનો અને ચીની જાસૂસી નેટવર્ક સાથે સંબંધો ધરાવવાનો ગંભીર પર્દાફાશ થયો છે.
વિવાદ વધતા બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે ડ્રોન બનાવનારી કંપનીને સ્પષ્ટતા કરવા ફરજ પાડી છે. મંત્રાલયે જણાવ્યું છે કે રૂટિન સાઇબર સિક્યોરિટી સમીક્ષા દરમિયાન આ ખામી પકડાઈ છે અને હાલમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે કોઈ સંવેદનશીલ ડેટા હેક થયો છે, છતાં કન્ઝર્વેટિવ પક્ષે તમામ આયાતી ઉપકરણોની તપાસની માંગ કરી છે.
આ આખી ઘટના વૈશ્વિક સ્તરે સંવેદનશીલ ડિફેન્સ સાધનોમાં સાઇબર સુરક્ષા અને ચીની હાર્ડવેરના જોખમો અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.
સાઇબર સુરક્ષા અને ડિફેન્સ ટેકનોલોજી
લશ્કરી સાધનો અને આયાતી ઉપકરણોમાં થતી સાઇબર સુરક્ષાની ચકાસણી એ કોઈપણ રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે અત્યંત નિર્ણાયક પાસું છે.