Loading Please Wait !!!
CMO, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખળભળાટ

  • ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈમેલ, દિલજીત દોસાંજને અપાયેલી ધમકી જેવી જ પેટર્ન
  • ઈમેલ મળતાં જ AMC બિલ્ડીંગ ખાલી કરાવાઈ, ડોગ સ્કવોડ અને BDDS દ્વારા સઘન ચેકિંગ
  • મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત વચ્ચે ધમકીથી સુરક્ષા એજન્સીઓ સતર્ક, સાયબર ક્રાઈમની તપાસ શરૂ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. 10 જૂનથી 20 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કચેરીને અલગ-અલગ સમયે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે આપવામાં આવી છે, જેમાં RSS દ્વારા ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કરાયું હોવાનો બદલો લેવાનો ઉલ્લેખ છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ પીએમ મોદી સાથેની બેઠક માટે દિલ્હીમાં છે, ત્યારે આ ધમકી આવતા સુરક્ષા વધુ સઘન કરાઈ છે.

ધમકીભર્યો ઈમેલ મળતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય પદાધિકારીઓ સહિતનો તમામ સ્ટાફ બિલ્ડિંગની બહાર નીકળી ગયો હતો. મેયર હિતેશ બારોટની સૂચના મુજબ ફાયર વિભાગ, પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને ડોગ સ્કવોડ દ્વારા બેઝમેન્ટથી લઈને ઉપર સુધી આખા બિલ્ડિંગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

ગાંધીનગરમાં પણ મુખ્યમંત્રી કાર્યાલય પર સઘન તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને ત્યાંથી પણ કોઈ જોખમી વસ્તુ ન મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ હવે આ ઈમેલ ક્યાંથી આવ્યો તેના સોર્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ધમકીની પેટર્ન ગત મહિને પંજાબમાં સિંગર દિલજીત દોસાંઝ અને લુધિયાણાના મેયરની ઓફિસને ઉડાવી દેવાની ધમકી સાથે સંપૂર્ણપણે મળતી આવે છે, જેમાં માત્ર લોકેશન જ બદલવામાં આવ્યું છે.

આતંકનો ખતરો કે અફવા? ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે અપાયેલી આ બોમ્બની ધમકીએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો છે. મુખ્ય સંસ્થાઓને ટાર્ગેટ કરતી આ ધમકી માત્ર ડરાવવાનો પ્રયાસ છે કે ખરેખર કોઈ મોટો ષડયંત્ર ઘડાઈ રહ્યો છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે. સાયબર એક્સપર્ટ્સ ઈમેલના મૂળ સુધી પહોંચવા કામે લાગ્યા છે, જેથી આરોપીઓને ઝડપથી પકડી શકાય. સાવચેતીના ભાગરૂપે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે.