Loading Please Wait !!!
જામનગરમાં બોગસ ડોક્ટરનું કારસ્તાન: 'બિહારી ક્લિનિક' પર SOG નો દરોડો

ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા બોગસ તબીબની અટકાયત, મોટી ખાવડી ગામમાં મચી ચકચાર

દવા અને ઇન્જેક્શન આપી લોકોના જીવ સાથે ખિલવાડ કરનાર શખ્સ SOG ના સકંજામાં

શુભમ ગેસ્ટ હાઉસ પાસે ધમધમતું હતું ગેરકાયદે ક્લિનિક, પોલીસે સ્ટેથોસ્કોપ સહિત મુદ્દામાલ કર્યો જપ્ત

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં એક બોગસ ડોક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામનગર SOG પોલીસ દ્વારા મોટી ખાવડીમાં દરોડો પાડીને ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરનાર સંજીવ રામલાલ શર્મા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સ પાસે કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે 'બિહારી ક્લિનિક' ના નામે દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શન આપીને પૈસા વસૂલતો હતો.

પોલીસને મળેલી બાતમી મુજબ, મોટી ખાવડીમાં રાજ કોમ્પ્લેક્સ સામે શુભમ ગેસ્ટ હાઉસની નીચે આ ગેરકાયદેસર ક્લિનિક ધમધમી રહ્યું હતું. SOG ઇન્ચાર્જ PI વી. બી. ચૌધરી અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફના વિજયભાઈ કારેણા, જયેશભાઈ પઢેરીયા અને ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવે સ્થળ પર રેડ કરી તપાસ કરતા બાતમી સાચી સાબિત થઈ હતી. પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આરોપી કોઈ પણ પ્રકારની તબીબી લાયકાત વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ 4,728 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સંજીવ રામલાલ શર્મા વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ-1963ની કલમ 30 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લામાં આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ SOG ની આ કાર્યવાહીથી અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ સામે કડક કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડિગ્રી વગર તબીબી સારવાર કરવી એ ગંભીર અપરાધ છે અને તે દર્દીઓના જીવને જોખમમાં મૂકે છે. પોલીસ વિભાગે ફરી એકવાર નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ ડોક્ટર પાસે સારવાર લેતા પહેલા તેમની ડિગ્રી અને માન્યતાની ખાતરી કરી લે. ગેરકાયદે ક્લિનિક ચલાવતા આવા લોકો સામે પોલીસ દ્વારા આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.