Loading Please Wait !!!
"વડોદરામાં પેટ્રોલ પંપ બહાર બાઇક બની 'અગનગોળો': ટાંકી ફૂલ કરાવીને નીકળતા જ ભડભડ સળગી ઉઠી"

  • સરદાર એસ્ટેટ પાસે સદનસીબે મોટી જાનહાનિ ટળી - પંપથી થોડે જ દૂર આગ લાગતા સૌના શ્વાસ અધ્ધર
  • ફૂલ ટાંકી કરાવ્યા બાદ અચાનક સ્પાર્ક થતા જ ફાટી નીકળી આગ - રસ્તા વચ્ચે જ મોટરસાયકલ બળીને હાડપિંજર બની
  • સરદાર એસ્ટેટમાં અફરાતફરીનો માહોલ - ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી સ્થિતિ થાળે પાડી

વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આજે એક હૃદયધબકતી ઘટના સામે આવી છે. એક મોટરસાયકલ ચાલક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવીને જેવો બહાર નીકળ્યો, કે તેની બાઇકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને પેટ્રોલ પંપ પર હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટરસાયકલ ચાલકે પેટ્રોલ પંપ પર પોતાની બાઇકની ટાંકી ફૂલ કરાવી હતી. ટાંકી ફૂલ કરાવીને તે પંપના એક્ઝિટ ગેટથી માંડ થોડે દૂર પહોંચ્યો હતો ત્યાં જ એન્જિન પાસેના ભાગમાંથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી બાઇકને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ચાલકે સમય પારખીને તુરંત બાઇક રસ્તા પર જ મૂકી દીધી હતી અને સુરક્ષિત અંતરે ખસી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની જાણ થતાં જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો અને મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણપણે બળીને લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી.

સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ આગ પેટ્રોલ પંપની અત્યંત નજીક લાગી હતી. જો પવનની દિશા પંપ તરફ હોત અથવા આગ પંપના નોઝલ સુધી પ્રસરી હોત, તો વડોદરામાં એક ભયાનક વિસ્ફોટ અને જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે મોટી હોનારત ટળી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા ગરમ એન્જિન પર પેટ્રોલના લીકેજને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે.