Loading Please Wait !!!
સિંહોને બચાવવા એકશન મોડ: હાઈ-વે ઉપર નવી ટેક્નોલોજી લાગુ થશે

=> ભાવનગર-સોમનાથ નેશનલ હાઇ-વે પર રમ્બલ સ્ટ્રીપ, કેટ આઈ રોડ સ્ટડ લાઈટ્સ જેવી ટેક્નોલોજીથી સિંહોને અપાશે સુરક્ષા કવચ

=> save the lions: સિંહોના અકસ્માતો અટકાવવા વન વિભાગ હરકતમાં

સિટી ન્યૂઝ@ભાવનગર

ગુજરાત અને દેશની શાન સમાન એશિયાટિક સિંહોની સુરક્ષાને લઈને વનવિભાગ દ્વારા એક મોટો અને મહત્વનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજુલા-જાફરાબાદ પંથકમાં રોડ અકસ્માતોમાં સિંહોના અકાળે થયેલા મોતના પગલે વનવિભાગ હરકતમાં આવ્યું છે. જૂનાગઢ વન્યજીવ વર્તુળના મુખ્ય વન સંરક્ષક (CF) રામ રતન નાલાની સૂચના અને શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ હાઈવે પર સિંહોના અકસ્માત અટકાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે.
વનવિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવાથી લઈને જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના કોસ્ટલ બેલ્ટ હાઈવે પર અંદાજે 19 થી 20 જેટલા એવા હોટસ્પોટ સ્થળો શોધવામાં આવ્યા છે, જ્યાં સિંહોની અવરજવર સૌથી વધુ રહે છે.

સિંહોની સલામતી અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા માટે ઓળખ કરાયેલા હોટસ્પોટ વિસ્તારોમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવશે: રમ્બલ સ્ટ્રીપ: હાઈવે પર સ્પીડ બ્રેકર સમાન રમ્બલ સ્ટ્રીપ બનાવાશે, જેથી વાહનોની ગતિ ધીમી પડે.કેટ આઈ રોડ સ્ટડ લાઈટ્સ: રાત્રિના સમયે વાહનચાલકોને દૂરથી જ અંધારામાં ચેતવણી મળી રહે તે માટે ખાસ લાઈટો લગાડાશે. રોડ સાઈડ સાઈનેજીસ (બોર્ડ): વન્યપ્રાણી અવરજવર ક્ષેત્રના સાઈન બોર્ડ લગાવી વાહનચાલકોને એલર્ટ કરાશે.

સોલાર અને ઇલેક્ટ્રિક લાઈટ્સ: હાઈવેના ડિવાઈડર પર જરૂરિયાત મુજબ સોલાર અથવા ઇલેક્ટ્રિક લાઈટોની જોગવાઈ કરવામાં આવશે. વનવિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન હાઈવે પર સિંહોની દેખરેખ માટે ખાસ 20 જેટલા રોડ સેવકો રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ રોડ સેવકો વનવિભાગના ટ્રેકર્સની જેમ જ હાઈવે પર સતત સિંહોની મૂવમેન્ટ પર નજર રાખશે. આ ઉપરાંત, હાઈવેની નજીક આવેલા ગામડાઓના લોકલ ટ્રેકર્સની જવાબદારી પણ વધારી દેવામાં આવી છે.વનવિભાગ માત્ર મેનપાવર પર આધારિત ન રહેતા આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લઈ રહ્યું છે. હાઈવેની આસપાસ વધુ અવરજવર કરતા એક સિંહને 'રેડિયો કોલર' પણ લગાવવામાં આવ્યો છે. આ સિંહ જેવો રોડની નજીક આવશે, કે તરત જ સ્થાનિક વનવિભાગની રેન્જને મેસેજ (એલર્ટ) મળી જશે જેથી તુરંત જ અકસ્માત નિવારી શકાય.