ભાવનગરમાં જમાઈએ સાગરીતો સાથે મળી સસરાની કરપીણ હત્યા કરી
દીકરીને મારવા દોડેલા જમાઈને ઠપકો આપતા માથામાં સિમેન્ટનો બ્લોક ઝીંકી દીધો
- ચિત્રા બેંક કોલોનીમાં જમાઈ રાકેશ અને ટોળાએ વૃદ્ધને પકડી માથું ફોડી નાખ્યું
- ભાવનગરમાં પિતા દીકરીને બચાવવા વચ્ચે પડ્યા, આવેશમાં આવેલા જમાઈ પક્ષનો જીવલેણ હુમલો
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં 28 મેની સાંજે કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી 60 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે થતી બોલાચાલીમાં સસરાએ ઠપકો આપ્યો હતો, જેની દાઝ રાખીને આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, મૃતક ગોરધનભાઈ ચિત્રા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને તેમની દીકરીના લગ્ન ફુલસર વિસ્તારના સતનામ ચોકમાં રહેતા રાકેશ સાથે થયા હતા. રાકેશ નિયમિત કામે ન જતો હોવાથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હતો. સાંજે આશરે 5:30 કલાકે રાકેશ કામે ન જવાના મુદ્દે ફરી ઝઘડો કરીને પત્નીને મારવા દોડ્યો હતો, જેમાં સસરા ગોરધનભાઈએ વચ્ચે પડીને જમાઈને ઠપકો આપતાં રાકેશ તેમને લાફા મારીને ત્યાંથી જતો રહ્યો હતો.
સાંજના ઝઘડાની અદાવત રાખીને રાત્રિના સમયે જમાઈ રાકેશ તેની સાથે અન્ય 7 જેટલી મહિલાઓને લઈને સસરાના ઘરે ધસી આવ્યો હતો. આ ટોળાએ આવીને ફરીથી ઉગ્ર ઝઘડો શરૂ કરીને ગોરધનભાઈને પકડી રાખ્યા હતા અને તેમની સાથે આવેલી પારુબેન નામની મહિલાએ ગોરધનભાઈના માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીંકી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં તેમને સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલ અને બોરતળાવ પોલીસ મથકનો કાફલો દોડી ગયો હતો અને આરોપીઓને પકડવા ખાસ ટીમની રચના કરી છે.
આરોપીઓને પકડવા પોલીસના દરોડા
હીરાની કામગીરી બાબતે ચાલી રહેલા લાંબા સમયના મનદુઃખના કારણે આ હત્યાકાંડ સર્જાયો છે.
બોરતળાવ પોલીસ દ્વારા મૃતકના શવના ઇન્ક્વેસ્ટ પંચનામાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ગુનો આચરીને નાસી છૂટેલા જમાઈ રાકેશ અને પારુબેન સહિતના આરોપીઓની શોધખોળ ચાલુ છે.
તમામ ફરાર આરોપીઓને વહેલી તકે જેલભેગા કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દરોડા પાડી રહી છે.