"ક્રેસન્ટ સર્કલ પ્રોપર્ટી મામલે લાખોની લાંચનો આરોપ: મહિલા SDMએ ડ્રાઈવરને કર્યો સસ્પેન્ડ"
- 'સાહેબ 13માં નથી માનતા' - ડ્રાઈવરની કથિત ઓડિયો ક્લિપે વહીવટી તંત્રમાં મચાવ્યો ખળભળાટ
- મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી' - વિવાદ વકરતા પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાએ કરી સ્પષ્ટતા
- આઉટસોર્સિંગ ડ્રાઈવર મોમીનનો વીડિયો વાઈરલ થતા તપાસના આદેશ - SP ને કરાઈ જાણ.
ભાવનગર: ભાવનગર શહેરના અશાંતધારો અમલી હોય તેવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની મિલકતોના સોદામાં વહીવટી તંત્રના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથેનો એક વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં મહિલા પ્રાંત અધિકારી (SDM) પ્રતિભા દહિયાના ડ્રાઈવર તરીકે ઓળખાતો શખ્સ કોઈ વ્યક્તિ સાથે 15 લાખ રૂપિયાની લેતીદેતીની વાત કરી રહ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લા કલેક્ટર કચેરીમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં ડ્રાઈવર એવું બોલતો સંભળાય છે કે, "સાહેબ 13 (લાખ) માં નથી માનતા, 15 કહે છે. હું એકવાર લીલીઝંડી આપી દઈશ એટલે બે-ત્રણ દિવસમાં ઓર્ડર થઈ જશે." આઠ જેટલી દુકાનોના ટ્રાન્સફરની ફાઈલ ક્લિયર કરાવવા માટે આ સોદાબાજી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. વીડિયોમાં ડ્રાઈવર જાહેરમાં પૈસાની વાત કરતો અને કોઈની સાથે સોદો પાકો કરતો નજરે પડે છે.
આ વિવાદ અંગે ભાવનગરના મહિલા SDM પ્રતિભા દહિયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "વીડિયોમાં દેખાતો ડ્રાઈવર મોમીન આઉટસોર્સિંગ એજન્સીનો કર્મચારી છે. જેવી મને જાણ થઈ કે તે મારા નામે કોઈની પાસે પૈસા માંગે છે, મેં તેને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરી દીધો છે. આ મામલામાં મારું કોઈ જ સંડોવણી નથી. ડ્રાઈવર માત્ર ગાડી ચલાવે છે, તેની સાથે કોઈ ફાઈલ કે વહીવટી બાબતે મારે કોઈ લેતીદેતી નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે, સત્ય બહાર લાવવા માટે તેમણે એસપીને પત્ર લખીને આ ઓડિયો-વીડિયોની ઊંડાણપૂર્વક તપાસ કરવા વિનંતી કરી છે.
ભાવનગર એસપી ડો. નિતેશ પાંડેએ આ પ્રક્રિયા વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફર માટે પોલીસનો અભિપ્રાય મહત્વનો હોય છે. પોલીસ સ્ટેશન, ડીવાયએસપી અને અંતે એસપી કક્ષાએ મેરિટના આધારે અહેવાલ તૈયાર કરીને એસડીએમ કચેરીને મોકલવામાં આવે છે. દર મહિને આવી 40 થી 50 દરખાસ્તો આવતી હોય છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે ડ્રાઈવર કોની સાથે વાત કરી રહ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ વચેટીયાઓ સામેલ છે કે કેમ.