Loading Please Wait !!!
ભાવનગર RTO એ નિયમ તોડનારાઓ પાસેથી ₹4.34 કરોડ ખંખેર્યા: ઓવરલોડ વાહનોમાં સૌથી વધુ દંડ!

  • નાણાકીય વર્ષ 2025-26માં 19,437 મેમા ફાટ્યા - PUC અને ડ્રાઈવિંગ લાયસન્સ વગર ફરતા ચાલકો પર ત્રાટકી ગાજ
  • ઓવરલોડ વાહનો પાસેથી ₹1.20 કરોડનો અધધ દંડ વસૂલાયો - નારી ચોકડી અને બુધેલ ચોકડી પર સઘન ચેકિંગ
  • રોડ સેફ્ટી અને LED ના કેસોમાં મોટો ઉછાળો - પાર્કિંગના નિયમ ભંગ બદલ સૌથી ઓછા 47 કેસ નોંધાયા

ભાવનગર શહેર અને જિલ્લાના જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે RTO કચેરી દ્વારા વર્ષ દરમિયાન આક્રમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2025-26 ના અંતે જાહેર થયેલા આંકડા મુજબ, ભાવનગર RTO એ વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 4.34 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલીને સરકારી તિજોરીમાં જમા કરાવ્યો છે. નારી ચોકડી, બુધેલ ચોકડી અને હાઈવે પર ગોઠવવામાં આવેલી વિવિધ ચેકિંગ ડ્રાઈવમાં હજારો વાહન ચાલકો નિયમ ભંગ કરતા ઝડપાયા હતા.

ઓવરલોડ વાહનો પર તંત્રની ત્રાટકતી ગાજ RTO ની આ કાર્યવાહીમાં સૌથી વધુ કમાણી ઓવરલોડ વાહનો દ્વારા થઈ છે. કુલ 1,144 ઓવરલોડ વાહનો સામે કેસ નોંધીને તંત્રએ 1.20 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં ક્ષમતા કરતા વધુ માલ ભરીને દોડતા વાહનો અકસ્માતનું જોખમ વધારતા હોવાથી તંત્રએ તેમની સામે કડક વલણ અપનાવ્યું છે. આ ઉપરાંત, રોડ સેફ્ટીના નિયમો જેવા કે LED લાઈટ્સ અને અન્ય ફિટિંગ્સ બાબતે પણ નોંધપાત્ર દંડ લેવામાં આવ્યો છે.

PUC અને લાયસન્સ વગરના ચાલકોનો રાફડો આરટીઓ કચેરીના અહેવાલ મુજબ, વર્ષ દરમિયાન સૌથી વધુ કેસ પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) અને ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનારાઓના રહ્યા છે. કુલ 19,437 મેમામાંથી મોટો હિસ્સો આ બે પાયાના નિયમોના ભંગનો છે. આશ્ચર્યજનક રીતે, પાર્કિંગ નિયમોના ભંગ બદલ આખા વર્ષમાં માત્ર 47 કેસ જ નોંધાયા છે, જે દર્શાવે છે કે તંત્રનું ધ્યાન હાઈવે પરના ગંભીર નિયમ ભંગ પર વધુ કેન્દ્રિત રહ્યું છે. રાજકોટની જેમ ભાવનગરમાં પણ વાહનોની સંખ્યા વધતા હવે આરટીઓ આગામી સમયમાં વધુ કડક ચેકિંગ પોઈન્ટ્સ ઉભા કરવાની તૈયારી કરી રહ્યું છે.