ભાવનગરમાં પોલીસનું ‘ફિલ્મી ઓપરેશન’: કારનો પીછો કરી વિદેશી દારૂની 1152 બોટલ ઝડપી પાડી
-
વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી 7 લાખનો મુદ્દામાલ જપ્ત; બેની ધરપકડ, અન્ય બે સામે ગુનો નોંધાયો
-
ગોપાલ અને અરજણ જેલના સળિયા પાછળ; સુરતથી મંગાવેલા દારૂના જથ્થાનો પર્દાફાશ
-
પોલીસને ચકમો આપવાનો પ્રયાસ નિષ્ફળ; વરતેજ પોલીસ મથકે ચાર બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે સિદસર વિસ્તારમાં વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી વિદેશી દારૂની હેરાફેરી કરતા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 1152 નંગ દારૂની બોટલ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂરપાટ ઝડપે કાર ભગાવી પણ પોલીસ ભારે પડી 19 એપ્રિલની રાત્રે પેરોલ ફર્લો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીએ-10-એ-5757 નંબરની શંકાસ્પદ કાર પસાર થતા પોલીસે તેને અટકાવવાનો સંકેત આપ્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઈને ગાડી ઉભી રાખવાને બદલે પૂરપાટ ઝડપે ભગાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ફિલ્મી ઢબે આ કારનો પીછો કર્યો હતો અને થોડે દૂર જઈને તેને આંતરી લીધી હતી. કારમાંથી સિદસરના ગોપાલ મેર અને અરજણ ચભાડ નામના શખ્સો ઝડપાયા હતા.
સુરત અને ફુલસર કનેક્શન ખુલ્યું પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 1,152 બોટલો મળી આવી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સુરત રહેતા રઘુ ચભાડે આ દારૂ ભરેલી કાર તેમને આપી હતી, જે ફુલસર વિસ્તારમાં રહેતા હરેશ અલગોતરે મંગાવી હતી.
7.09 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹7,09,424 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બે આરોપીઓ તેમજ તપાસમાં જેમના નામ ખુલ્યા છે તેવા અન્ય બે શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.