Loading Please Wait !!!
ભાવનગરમાં નકલી દારૂ નેટવર્ક પર તવાઈ: ગૌતમ પાસેથી માલ લેનાર 2 ઝડપાયા

 

  • જેલ ગ્રાઉન્ડ સામેના સરકારી ક્વાર્ટરની તલાશીમાં સંજય ચાવડા પાસેથી 35 બોટલ દારૂ મળ્યો

  • કુંભારવાડામાંથી થેલામાં બિયર રાખી છૂટક વેચાણ કરતો જયદીપ મકવાણા ઝડપાયો

  • બંને આરોપીઓએ વરતેજના ગૌતમ સોલંકી પાસેથી દારૂ-બિયર ખરીદ્યાની કબૂલાત કરી

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગરના વરતેજ ખાતે પોતાના ઘરે નકલી વિદેશી દારૂ બનાવીને યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા બુટલેગર ગૌતમ સોલંકીના નેટવર્ક સામે ભાવનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને ગૌતમ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો મેળવી વેચાણ કરનારા 2 શખ્સોને ઝડપી લીધા છે. નિલમબાગ અને બોરતળાવ પોલીસે આરોપીઓ પાસેથી કુલ 35 નંગ દારૂની બોટલો અને 20 નંગ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રથમ બનાવમાં નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે જેલ ગ્રાઉન્ડ સામે આવેલા સરકારી ક્વાર્ટરમાં અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મૂળ ઉનાના અરઠીયા ગામના વતની સંજય રાવતભાઈ ચાવડાના ક્વાર્ટરમાંથી ₹45,000 ની કિંમતની રોયલ સ્ટેગ દારૂની 35 બોટલો તેમજ ₹10,000 નો મોબાઈલ મળી કુલ ₹55,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી સંજયની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપી સંજય ચાવડાએ જણાવ્યું હતું કે તે રાત્રિના સમયે પોતાના બાઈક પર વરતેજ બાપા સીતારામ ગેરેજ પાસે ગયો હતો, જ્યાંથી ગૌતમ વિરમભાઈ સોલંકીએ તેને 36 બોટલ દારૂ આપ્યો હતો, જેમાંથી 1 બોટલ રસ્તામાં તૂટી ગઈ હતી. નિલમબાગ પોલીસે સંજય ચાવડા અને ગૌતમ સોલંકી સામે ગુનો નોંધી સંજયને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બીજી કાર્યવાહીમાં બોરતળાવ પોલીસે બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં આવેલા બાથાભાઈના ચોક પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં પોતાના ઘર પાસે થેલામાં બિયરના ટીન રાખીને છૂટક વેચાણ કરતા જયદીપ જીવરાજભાઈ મકવાણાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹2,520 ની કિંમતના 20 નંગ બિયરના ટીન અને ₹5,000 નો મોબાઈલ મળી કુલ ₹7,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા જયદીપ મકવાણાએ પણ કબૂલ્યું હતું કે તેણે આ બિયરનો જથ્થો વરતેજના ગૌતમ સોલંકી પાસેથી ખરીદ્યો હતો. બોરતળાવ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને નકલી દારૂ સપ્લાય ચેઈન સાથે સંકળાયેલા અન્ય અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગૌતમના દારૂ નેટવર્કના બે સાગરીતો ઝડપાયા

ભાવનગરમાં નકલી દારૂ બનાવતા ગૌતમ સોલંકી પાસેથી જથ્થો મેળવી વેચતા 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. સરકારી ક્વાર્ટરમાંથી સંજય ચાવડા પાસેથી 35 બોટલ દારૂ અને કુંભારવાડામાંથી જયદીપ મકવાણા પાસેથી 20 બિયરના ટીન જપ્ત કરાયા છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને સંજયના 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે.