Loading Please Wait !!!
ભાવનગર મનપા ચૂંટણી: કોંગ્રેસે 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, 18 નવા ચહેરાઓને મળી તક!

7 પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કરાયા - આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પત્તાં ખોલતા રાજકીય ગરમાવો તેજ

જયદીપસિંહ ગોહિલ અને ભૂમિબેન ગોહિલ સહિતના દિગ્ગજો રિપીટ - વોર્ડ-1, 5, 9, 12 અને 13 માં 3-3 ઉમેદવારો જાહેર

રહીમભાઈ કુરેશી અને કાંતિભાઈ ગોહિલ પર પક્ષે ફરી જતાવ્યો વિશ્વાસ - પ્રથમ યાદીમાં જ જ્ઞાતિ સમીકરણો સાધવા પ્રયાસ



ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસે પોતાની કમર કસી છે. રવિવારે મોડી સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર મનપા માટે ૨૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણો અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કુલ ૨૫ ઉમેદવારો પૈકી ૧૮ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે ૭ પૂર્વ કોર્પોરેટરો પર પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગત ટર્મના ૭ દિગ્ગજોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં જયદીપસિંહ ગોહિલ, ભૂમિબેન ગોહિલ (વોર્ડ-૯), કાંતિભાઈ બી. ગોહિલ (વોર્ડ-૧), રહીમભાઈ અમીભાઈ કુરેશી (વોર્ડ-૩), ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા, જસુબેન આનંદભાઈ બારૈયા અને શબાનાબેન અબ્દુલવાહીદ ખોખર (વોર્ડ-૫) નો સમાવેશ થાય છે. આ પૂર્વ કોર્પોરેટરોને ફરી ટિકિટ આપીને કોંગ્રેસે પોતાના મજબૂત ગઢ સાચવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

શહેર કોંગ્રેસે ૧૩ વોર્ડમાંથી અલગ-અલગ બેઠકો માટે નામો જાહેર કર્યા છે. જેમાં વોર્ડ નંબર ૧, ૫, ૯, ૧૨ અને ૧૩ માંથી ૩-૩ નામોની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર ૪, ૭, ૮ અને ૧૦ માંથી ૨-૨ ઉમેદવારો જાહેર કરાયા છે. વોર્ડ નંબર ૨ અને ૩ માંથી હાલમાં ૧-૧ ઉમેદવારનું નામ સામે આવ્યું છે. આ વ્યૂહાત્મક જાહેરાત દ્વારા કોંગ્રેસે ભાજપ અને આમ આદમી પાર્ટી સામે મોરચો માંડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ અગાઉ જ બે યાદી જાહેર કરી દીધી હતી, જેના પ્રતિસાદમાં હવે કોંગ્રેસે પોતાના મૂરતિયા જાહેર કર્યા છે.

૧૮ નવા ઉમેદવારોમાં મનિષાબેન ગોહિલ (વોર્ડ-૧), કિસનભાઈ મેર (વોર્ડ-૨), રજનીબેન સરધારા (વોર્ડ-૪), ઈલાબેન ડોડિયા (વોર્ડ-૭), સોનલબેન પટેલ (વોર્ડ-૮) અને વિપુલભાઈ ખુમાણ (વોર્ડ-૧૦) જેવા નામોનો સમાવેશ થાય છે. નવા ચહેરાઓને તક આપીને કોંગ્રેસ મતદારો વચ્ચે પરિવર્તનનો મેસેજ આપવા માંગે છે. ભાવનગરના રાજકીય વર્તુળોમાં આ યાદીને લઈને ભારે ચર્ચા જાગી છે અને હવે સૌની નજર સત્તાધારી ભાજપની યાદી પર ટકેલી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ગત ચૂંટણીઓમાં ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની સક્રિયતા અને કોંગ્રેસની વહેલી યાદીને જોતા મુકાબલો રોમાંચક બનશે તે નક્કી છે. પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ ઉમેદવારોએ પોતપોતાના વોર્ડમાં જનસંપર્ક અને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ 'નવા અને જૂના' ની જોડી ભાવનગરના મતદારોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે.