મનપા કમિશનરનું 'સિંઘમ' અવતારમાં ચેકિંગ: ગંગાજળિયા તળાવમાં ગંદકી જોઈ કમિશનર લાલચોળ!
- મહિલા બાગ અને બિઝનેસ સેન્ટરમાં આકસ્મિક દરોડા - બેદરકાર અધિકારીઓને નોટિસ ફટકારવા આદેશ
- બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ ખાલી કરાવવા અલ્ટિમેટમ - રોડ પર વાહનો પાર્ક કરનારાઓ સામે હવે ગાજ ત્રાટકશે
- પેવર બ્લોક અને આધુનિક લાઈટિંગ સાથે તળાવનો થશે કાયાકલ્પ - મહિલા બાગની ફૂટપાથો પણ ખુલ્લી કરાવાશે
ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીના આજે વહેલી સવારથી જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરની સફાઈ વ્યવસ્થા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓને જાણવા માટે તેમણે કોઈ પણ પૂર્વ સૂચના વગર શહેરના હૃદય સમાન ગણાતા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ગંદકી અને બેદરકારી જોઈને કમિશનરે જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો.
ગંગાજળિયા તળાવનો થશે કાયાકલ્પ કમિશનરે સૌ પ્રથમ ગંગાજળિયા તળાવની મુલાકાત લીધી હતી, જ્યાં ચારેબાજુ ગંદકીના સામ્રાજ્યને જોઈને તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સ્થળને શહેરના શ્રેષ્ઠ પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. તળાવની ફરતે પેવર બ્લોકની કામગીરી અને લોકોના બેસવા માટેની બેન્ચીસ સહિતના આધુનિક ફેરફારો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સફાઈમાં બેદરકારી દાખવનાર એજન્સીઓને નોટિસ ફટકારવાના પણ આદેશો અપાયા છે.
બિઝનેસ સેન્ટરના પાર્કિંગનો વિવાદ રૂપમ ચોક પાસે આવેલા બિઝનેસ સેન્ટરમાં બે માળનું વિશાળ પાર્કિંગ હોવા છતાં વાહન ચાલકો રોડ પર પાર્કિંગ કરે છે, જેના કારણે ટ્રાફિક જામની કાયમી સમસ્યા રહે છે. કમિશનરે સ્થળ પર તપાસ કરતા માલૂમ પડ્યું કે પાર્કિંગમાં ગંદકી અને બિનધિકૃત દબાણો છે. તેમણે આ પાર્કિંગ આજે જ ખુલ્લું કરાવવા અને રોડ પરના દબાણો દૂર કરવા કડક સૂચના આપી છે. આ ઉપરાંત મહિલા બાગની ફૂટપાથ પર રહેતા લોકોને યોગ્ય જગ્યાએ ખસેડી રસ્તો મોકળો કરવાની કામગીરી પણ હાથ ધરાશે. કમિશનરના આ કડક વલણથી આળસુ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.