"ભાવનગરની નવી ઓળખ: 587 કરોડના ખર્ચે 1300 બેડની અત્યાધુનિક મેડિસીટી તૈયાર"
- પ્રથમ ફેઝનું કામ પૂર્ણ - ત્રણ જિલ્લાના દર્દીઓને મળશે તમામ સારવાર એક જ છત નીચે
- ગાયનેક અને પીડિયાટ્રિક માટે 8 માળનું અલાયદું બિલ્ડિંગ - હીપ અને ની-રિપ્લેસમેન્ટ થશે ફ્રી.
- 2000 વિદ્યાર્થીઓની કેપેસિટીવાળી હોસ્ટેલ તૈયાર - ડિસેમ્બર 2028 સુધીમાં પ્રોજેક્ટ થશે પૂર્ણ.
ભાવનગર: ભાવનગર શહેર અને તેની આસપાસના જિલ્લાઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. શહેરના નારી ગામ નજીક રૂપિયા 587 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી મેડિસીટીના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થવાના આરે છે. આ આધુનિક મેડિકલ કેમ્પસ કાર્યરત થતા જ ભાવનગર સહિત અમરેલી અને બોટાદ જિલ્લાના લોકોને સારવાર માટે અન્ય શહેરો પર નિર્ભર નહીં રહેવું પડે.
મેડિકલ કોલેજના ડીન ડો. ચિન્મય શાહના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ ચાર ફેઝમાં વહેંચાયેલો છે. હાલ ફેઝ-1 માં 2000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી 11-11 માળની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ તૈયાર થઈ ચૂકી છે. આગામી ફેઝમાં મેડિકલ કોલેજ બ્લોક અને ત્યારબાદ મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગનું નિર્માણ થશે. આ મેડિસીટીની સૌથી મોટી વિશેષતા એ હશે કે તેમાં તમામ વિભાગો એક જ બિલ્ડિંગમાં (Unitary Campus) હશે, જેથી દર્દીઓને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવા માટે અલગ-અલગ બિલ્ડિંગો વચ્ચે ભટકવું નહીં પડે.
સ્માર્ટ સુવિધાઓ અને મોડ્યુલર ઓટી નવી હોસ્પિટલમાં 30 મોડ્યુલર મેજર ઓપરેશન થિયેટર અને 10 માઇનર ઓટી હશે. ભવિષ્યના આયોજન મુજબ, અહીં પેશન્ટ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈ શકશે અને રિપોર્ટ પણ ઓનલાઈન મેળવી શકશે. આ ઉપરાંત, મેડિકલ શિક્ષણને વધુ આધુનિક બનાવવા માટે સ્માર્ટ ક્લાસરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
જૂની સર ટી. હોસ્પિટલ પણ રહેશે કાર્યરત નવી મેડિસીટી શરૂ થયા બાદ પણ શહેરની મધ્યમાં આવેલી હાલની સર ટી. હોસ્પિટલ બંધ કરવામાં નહીં આવે. ત્યાં સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગ અને કેન્સર હોસ્પિટલ કાર્યરત રહેશે. પાયાની જરૂરિયાતો જેવી કે વેક્સિનેશન, ફિટનેસ સર્ટિફિકેટ અને પ્રાથમિક સારવારની સુવિધા હાલની હોસ્પિટલમાં જ જાળવી રાખવા માટે સરકારમાં ચર્ચા ચાલી રહી છે.
નારી ચોકડી પાસે આ હોસ્પિટલ બનવાથી હાઈવે પરથી આવતા ઈમરજન્સી પેશન્ટ્સને સીટીના ટ્રાફિકમાં ફસાયા વગર તાત્કાલિક સારવાર મળી રહેશે. ડિસેમ્બર 2028 સુધીમાં આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.