Loading Please Wait !!!
"ભાવનગરનું 'ઈન્ડિયા હાઉસ' વિવાદોના વંટોળમાં: 50 કારતૂસ અને પ્રતિબંધિત પ્રાણીઓના અંગો મળવા મામલે ઉબેદ શેખ અને ભાઈ જેલ હવાલે"

  • રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો - "જીવતા કારતૂસ મારા નથી, બોડીગાર્ડના છે", હવે મધ્યપ્રદેશના સિક્યુરિટી ગાર્ડની થશે પૂછપરછ
  • પોકેટ મંકી, કાળિયારના શિંગડા અને વિદેશી દારૂ મળતા ગુંજ્યું ભાવનગર - ગંગાજળિયા પોલીસની કડક કાર્યવાહી
  • હથિયાર ધારા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયા હતા બે ગુના - SOG પોલીસ હવે કારતૂસના મૂળ સુધી પહોંચશે

ભાવનગર શહેરના જોગીવાડ વિસ્તારમાં આવેલા 'ઈન્ડિયા હાઉસ'માં થયેલા હાઈ-પ્રોફાઈલ પોલીસ સર્ચ બાદ ધરપકડ કરાયેલા ઉબેદ શેખ અને તેના ભાઈ ઈમ્દાદ શેખના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટનાના તાર શોધવા નીકળેલી પોલીસને શેખ બંધુઓના ઘરેથી મિનિ હથિયારખાનું અને પ્રતિબંધિત વન્યજીવોના અંગો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સર્ચે ખોલી પોલ: શું શું મળ્યું? તાજેતરમાં થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા હાલારી બંધુઓ અહીં છુપાયા હોવાની બાતમીના આધારે SP નિતેશ પાંડેએ કાફલા સાથે સર્ચ કર્યું હતું. જોકે, ત્યાંથી વલી હાલારી તો ન મળ્યો પણ 50 જીવતા કારતૂસ, 6 છરા, દારૂની બોટલ અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત કાળિયારના 4 શિંગડા તથા પોકેટ મંકી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

રિમાન્ડમાં 'બોડીગાર્ડ' કાર્ડ ખેલાયું SOG પોલીસના એક દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કારતૂસ બાબતે મોટો ઘટસ્ફોટ કર્યો છે. SOG PI સુનેસરાએ જણાવ્યું કે, પૂછપરછમાં બંને ભાઈઓએ દાવો કર્યો છે કે આ 50 કારતૂસ તેમના પર્સનલ સિક્યુરિટી ગાર્ડના છે. આ ગાર્ડ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલ વતનમાં છે. પોલીસ હવે આ ગાર્ડને તેડું મોકલી કારતૂસના લાયસન્સ અને તેની માલિકીની ખરાઈ કરશે.

વન વિભાગની અલગ કાર્યવાહી હથિયાર અને દારૂના કેસમાં જેલભેગા થયેલા શેખ બંધુઓ માટે મુસીબત હજુ ઓછી થઈ નથી. કાળિયારના શિંગડા અને દુર્લભ પોકેટ મંકી રાખવા બદલ વન વિભાગ પણ અલગથી કડક કાર્યવાહી કરી રહ્યું છે. પ્રાથમિક રીતે આ હથિયારો અને કારતૂસનો ઉપયોગ કોઈ મોટા ગુનામાં થવાનો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.