"ભાવનગરમાં લેડી બુટલેગરો પર પોલીસનું 'બુલડોઝર': આડોડીયા વાસમાં 4 મહિલા આરોપીઓના ઘર જમીનદોસ્ત"
- SP નિતેશ પાંડેની આકરી કાર્યવાહી - 21 ગેરકાયદે દબાણો તોડી ₹1 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ
- પાંચ મહિનાના સર્વે બાદ મેગા ડિમોલિશન - દીપકચોક અને પ્રભુદાસ તળાવ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
- કોર્પોરેશનના પ્લોટ પરની 13 દુકાનો અને 4 ઝૂંપડા સહિતના દબાણો દૂર - જંત્રી ભાવે ₹91 લાખની જમીન મુક્ત.
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કરવા માટે એસપી નિતેશ પાંડેએ આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી છે. પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા 5 મુખ્ય આરોપીઓના ગેરકાયદે મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહીમાં આડોડીયા વાસની ચાર કુખ્યાત મહિલા બુટલેગરોના મકાનોનો પણ સમાવેશ થાય છે.
આજે સવારે 8 વાગ્યાથી પોલીસનો મોટો કાફલો દીપકચોક અને પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ત્રાટક્યો હતો. સિટી ડીવાયએસપી, એલસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનના 200 થી વધુ જવાનોના બંદોબસ્ત વચ્ચે 5 અસામાજિક તત્વોના રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોતાના ઘર તૂટતા જોઈને મહિલા બુટલેગરો રડતી જોવા મળી હતી, પરંતુ પોલીસે કડક વલણ દાખવી ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં માત્ર આરોપીઓના ઘર જ નહીં, પરંતુ મહાનગરપાલિકાના પ્લોટ નંબર 729 અને 730 પર કરવામાં આવેલા 21 જેટલા પાકા દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 13 દુકાનો, 4 ઝૂંપડા અને ધાર્મિક દબાણનો સમાવેશ થાય છે. જંત્રી ભાવ મુજબ અંદાજે 91.95 લાખ રૂપિયાની પાલિકાની જમીન અને આરોપીઓની 49.88 લાખની મિલકત મળી કુલ 1.41 કરોડ રૂપિયાથી વધુની સરકારી મિલકત આજે દબાણમુક્ત કરવામાં આવી છે.
એસીપી નિતેશ પાંડેના જણાવ્યા અનુસાર, શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ઓપરેશનમાં મહાનગરપાલિકાના ડિમોલિશન વિભાગની સાથે પીજીવીસીએલ અને ફાયર બ્રિગેડની ટીમો પણ જોડાઈ હતી. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી ભાવનગરના અન્ય બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસના આ આક્રમક મૂડને પગલે શહેરીજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.