Loading Please Wait !!!
ભાવનગર સાયબર ફ્રોડ ગેંગ પર ગુજસીટોકનો સકંજો: 21.37 કરોડના કૌભાંડમાં 9 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર!

  • રાજકોટની સ્પેશિયલ કોર્ટનો મોટો આદેશ – 134 બેંક ખાતા ભાડે રાખી આચર્યું હતું આર્થિક સામ્રાજ્ય.
  • ચેક અને ATM મારફતે નાણાં સગેવગે કરવાનું નેટવર્ક – પોલીસ હવે કૌભાંડના મૂળ સુધી પહોંચવા કસશે કમર
  • દશરથ ધાંધલ્યાની ગેંગે છેતરપિંડીના 21 કરોડ બારોબાર ઉપાડી લીધા – સ્પેશિયલ કોર્ટમાં પોલીસની મોટી જીત

ભાવનગર શહેરમાં બેંક ખાતા ભાડે રાખી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન દ્વારા સાયબર ફ્રોડ આચરતી ટોળકી સામે પોલીસે અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરી છે. સંગઠિત ગુનાખોરી આચરતી આ ગેંગના ૯ સાગરીતોને પોલીસે રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરતા, અદાલતે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી વધુ ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડમાં અંદાજે ૨૧.૩૭ કરોડ રૂપિયાની માતબર રકમના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ઘટનાની વિગત મુજબ, ભાવનગરમાં દશરથ રામજીભાઈ ધાંધલ્યા નામના શખસે એક મજબૂત સંગઠિત ટોળકી રચી હતી. આ ગેંગે શહેરના જુદા-જુદા ૧૩૪ નિર્દોષ વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી અથવા કમિશન આપીને મેળવ્યા હતા. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા અને ત્યારબાદ ચેક કે એટીએમ (ATM) મારફતે તરત જ ઉપાડીને સગેવગે કરી નાખવામાં આવતા હતા. બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

આ માત્ર સામાન્ય છેતરપિંડી નહીં પણ એક સુનિયોજિત સંગઠિત આર્થિક ગુનો હોવાનું બહાર આવતા, પોલીસે આ કેસમાં 'ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ' (GCTOC) ની કલમોનો ઉમેરો કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં આર્યન જોસેતા, શૈલેષ ચૌધરી, રાહુલ ગોહેલ, શાફીન અને માહીન કુરેશી સહિતના ૯ શખસોનો સમાવેશ થાય છે. પોલીસે ગતરોજ રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં આ તમામને રજૂ કરીને ૧૮ દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે ૧૨ દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે રિમાન્ડ દરમિયાન આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધાર દશરથ ધાંધલ્યાની શોધખોળ તેજ કરવામાં આવશે. આ ઉપરાંત, છેતરપિંડીના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે અને આ નેટવર્ક સાથે અન્ય કયા મોટા માથાઓ જોડાયેલા છે, તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક જેવો કડક કાયદો લાગુ થતા અન્ય સાયબર ઠગોમાં પણ ફફડાટ ફેલાયો છે.

રાજકોટની સ્પેશિયલ કોર્ટના આ આદેશ બાદ ભાવનગર પોલીસની ટીમ આરોપીઓને લઈને રવાના થઈ છે. આગામી ૧૨ દિવસમાં આ કેસમાં વધુ મોટા ઘટસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા છે. રાજકોટ અને ભાવનગર પંથકમાં આ આર્થિક સ્કેમ અત્યારે ચર્ચાના કેન્દ્રસ્થાને છે.