ભાવનગરના ક.પરામાં લોહિયાળ ખેલ: દિવાલમાં ખીલા મારવા જેવી સામાન્ય બાબતે પડોશીએ તલવારથી કર્યો જીવલેણ હુમલો!
- પડોશી દંપતીએ યુવાનને રોડ પર ઢસડીને માર માર્યો - ગંગાજળિયા પોલીસે ઈશ્વર જાદવ અને તેની પત્ની સામે ગુનો નોંધ્યો
- "મારી નાખીશું" તેવી ધમકી આપનાર દંપતી સામે BNS હેઠળ કાર્યવાહી - ઈજાગ્રસ્ત યુવાન સિવિલ હોસ્પિટલ ખસેડાયો
- ભાવનાબેને ઠપકો આપતા જ ઈશ્વર જાદવ ભાન ભૂલ્યો - રોડ પર ઢસડીને યુવાન પર કરાયેલા હુમલાથી વિસ્તારમાં ફફડાટ
ભાવનગર શહેરના ક.પરા વિસ્તારમાં પડોશીઓ વચ્ચેના સંબંધોમાં કડવાશ એટલી હદે વધી ગઈ કે સામાન્ય વાતમાં તલવારો ઉછળી હતી. રાંદલમાના ચોક પાસે રહેતા સાગર મકવાણાના પરિવાર અને પાડોશમાં રહેતા ઈશ્વર જાદવ વચ્ચે દિવાલમાં ખીલા મારવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો.
ઠપકો આપવો ભારે પડ્યો બપોરના સમયે સાગરની માતા ભાવનાબેને પડોશી ઈશ્વર જાદવને દિવાલમાં ખીલા ઠોકવા બાબતે ઠપકો આપ્યો હતો, કારણ કે તેનાથી દિવાલની લાદીઓ તૂટી રહી હતી. આ સામાન્ય ઠપકાથી ઉશ્કેરાયેલા ઈશ્વર અને તેની પત્ની જાગુબેને ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે સાગર વચ્ચે પડ્યો, ત્યારે ઈશ્વરે ઘરમાંથી તલવાર લાવીને તેના પર હુમલો કરી દીધો હતો.
રોડ પર ઢસડીને માર્યો માર હુમલાખોર દંપતી આટલેથી જ અટક્યું નહોતું, તેમણે સાગરને પકડીને રોડ પર ઢસડ્યો હતો જેના કારણે તેને પગના ભાગે પણ ઈજાઓ થઈ હતી. પરિવારના અન્ય સભ્યોએ વચ્ચે પડીને સાગરનો જીવ બચાવ્યો હતો, પરંતુ જતી વખતે દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં ગંગાજળિયા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી દંપતીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.