ભાવનગર કોંગ્રેસમાં ભડકો: ટિકિટ કપાતા પૂર્વ વિરોધ પક્ષના નેતાની રાહુલ ગાંધી સામે આત્મવિલોપનની ચીમકી!
- "દલિત નેતા સાથે ભેદભાવ થયો છે, જરૂર પડશે તો એટ્રોસિટી કરીશ" – જીતુભાઈ સોલંકીનો આક્રમક ઓડિયો વાયરલ
- સેન્સ પ્રક્રિયા માત્ર નાટક? – ભાવનગર મનપાની ચૂંટણી પૂર્વે ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં ભીષણ આંતરકલહ
- ભરત બુધેલીયા અને નિરીક્ષક હરિભાઈ ભરવાડની વાતચીત વાયરલ – પક્ષના શિસ્તના લીરેલીરા ઉડ્યા
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસનો આંતરિક વિખવાદ જાહેરમાં આવ્યો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા અને જાણીતા દલિત આગેવાન જીતુભાઈ સોલંકીની ટિકિટ કાપી નાખવામાં આવતા ભાવનગરના રાજકારણમાં મોટો વંટોળ સર્જાયો છે. આ વિવાદ વચ્ચે એક સનસનાટીપૂર્ણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં જીતુભાઈ સોલંકીએ પ્રદેશ નિરીક્ષક હરિભાઈ ભરવાડને આકરા શબ્દોમાં ખખડાવ્યા છે અને રાહુલ ગાંધીની હાજરીમાં આત્મવિલોપન કરવાની ચકચારી ચીમકી આપી છે.
વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં જીતુભાઈ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં વર્ષોથી સેવા આપનારા દલિત નેતાની અવગણના કરવામાં આવી છે. તેમણે નિરીક્ષકને સવાલ કર્યો હતો કે યાદી જાહેર થયા પહેલા જ બીજા ઉમેદવારોએ ફોર્મ ભરવાની જાહેરાત કેવી રીતે કરી? તેના જવાબમાં નિરીક્ષક હરિભાઈ ભરવાડ કબૂલાત કરતા સંભળાય છે કે, તેમણે સ્થાનિક નેતા ભરતભાઈ બુધેલીયાને 'કોરા મેન્ડેડ' આપી દીધા હતા. આ કબૂલાતે કોંગ્રેસની ટિકિટ વહેંચણીની લોકશાહી ઢબ પર મોટા સવાલો ઉભા કર્યા છે અને કાર્યકરોમાં ભારે કચવાટ ફેલાવ્યો છે.
રોષે ભરાયેલા જીતુભાઈ સોલંકીએ ઓડિયોમાં એમ પણ કહ્યું છે કે, "આવી પરિસ્થિતિ દલિત સમાજની અને વિરોધ પક્ષના નેતાની છે, મારી સાથે ભેદભાવ થયો છે. જરૂર પડશે તો પક્ષના નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ પણ કરીશ." તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યારે રાહુલ ગાંધી અમદાવાદ કે ભાવનગરની મુલાકાતે આવશે ત્યારે તેઓ તેમની સામે જ આત્મવિલોપન કરીને પોતાનો વિરોધ નોંધાવશે. આ ચીમકીને પગલે કોંગ્રેસ હાઈકમાન્ડમાં દોડધામ મચી ગઈ છે.
ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસની પેનલ જીતતી આવી છે, પરંતુ આ વખતે જીતુભાઈ સોલંકી અને ભરતભાઈ બુધેલીયા વચ્ચેના મનભેદ પક્ષને ભારે પડી શકે તેમ છે. ભાજપ અને અન્ય પક્ષો આ આંતરકલહનો લાભ લેવા અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. રાજકોટમાં પણ આવી જ રીતે ટિકિટ કપાયેલા નેતાઓમાં ગણગણાટ છે, ત્યારે ભાવનગરનો આ કિસ્સો કોંગ્રેસ માટે 'ડેમેજ કંટ્રોલ' ના સ્તરે મોટી કસોટી સમાન સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ સમિતિ આ ઓડિયો વાયરલ થયા બાદ જીતુભાઈને મનાવવામાં સફળ થાય છે કે પછી ચૂંટણીના મેદાનમાં જ હાર સ્વીકારવી પડશે.