Loading Please Wait !!!
ભાવનગરમાં ચૂંટણીનો જંગ અને પોલીસનો લોખંડી પહેરો: 26 એપ્રિલે મતદાન માટે 3900થી વધુ જવાનો તહેનાત, અફવા ફેલાવનારાની ખેર નહીં

 

  • 1152 બિલ્ડિંગમાં જડબેસલાક સુરક્ષા- 800 CCTV કેમેરા અને સાયબર ક્રાઈમની ટીમ સોશિયલ મીડિયા પર રાખશે ‘બાજ નજર’

  • અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મથકો પર પોલીસની સતત વોચ; નેત્ર પ્રોજેક્ટ હેઠળ દરેક હિલચાલ પર થશે મોનિટરિંગ

  • 1700 પોલીસ અને 2205 હોમગાર્ડ-GRD જવાનોનું સુરક્ષા કવચ; LCB, SOG અને પેરોલફલો સ્કવોડની 6 ટીમો રહેશે એલર્ટ

    ભાવનગર: ભાવનગર જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા જિલ્લાભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કુલ ૩૯૦૦થી વધુ સુરક્ષા જવાનોને વિવિધ મતદાન મથકો પર તહેનાત કરી દેવામાં આવ્યા છે.

    જિલ્લાના કુલ ૧૧૫૨ બિલ્ડિંગોમાં આવેલા ૧૯૭૭ મતદાન બુથો પર પોલીસનો ચુસ્ત પહેરો રહેશે. પોલીસના આંકડા મુજબ, ૧૨ બુથોને ‘અતિ સંવેદનશીલ’ અને ૨૬૦ બુથોને ‘સંવેદનશીલ’ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં હથિયારધારી પોલીસ જવાનો અને એસઆરપી (SRP) ની ટીમ ખાસ તહેનાત રહેશે. જ્યારે બાકીના ૮૮૦ સામાન્ય બુથો પર પણ પોલીસ અને હોમગાર્ડના જવાનો સતત હાજર રહેશે. મતદાન મથકો પર સુમેળભર્યું વાતાવરણ જળવાય તે માટે પ્રશાસને અગાઉથી જ તમામ વ્યૂહાત્મક તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

    બંદોબસ્તની વિગતવાર માહિતી મુજબ, ૧૭૦૦ પોલીસ જવાનો, ૨૨૦૫ હોમગાર્ડ અને જીઆરડી (GRD) ના જવાનો સાથે એસપી (SP), ૨ એએસપી, ૭ ડીવાયએસપી, ૩૫ પીઆઈ અને ૫૭ પીએસઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે. આ ઉપરાંત, ૧૧૫ ગ્રુપ મોબાઈલ વાહનો અને ૨૪ ક્યુઆરટી (QRT) વાહનો સતત પેટ્રોલીંગ કરશે. જિલ્લાના મોનીટરીંગ માટે એલસીબી (LCB), એસઓજી (SOG) અને પેરોલફલો સ્કવોડ સહિતની ૬ સ્પેશિયલ ટીમો પણ હથિયારો સાથે તૈયાર રાખવામાં આવી છે, જે કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.

    ટેકનોલોજીના ઉપયોગ અંગે વાત કરીએ તો, ભાવનગર પોલીસ દ્વારા ‘નેત્ર પ્રોજેક્ટ’ હેઠળ સિહોર, મહુવા, પાલીતાણા અને ભાવનગર શહેરમાં ૮૦૦થી વધુ સીસીટીવી (CCTV) કેમેરા દ્વારા દરેક હિલચાલ પર ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવશે. સાયબર ક્રાઈમની ટીમો સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે જેથી ચૂંટણી દરમિયાન કોઈ અફવા કે ભડકાઉ પોસ્ટ દ્વારા શાંતિનો ભંગ ન થાય. પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    ચૂંટણીના દિવસે તમામ સુપરવિઝન અધિકારીઓ અને ગ્રુપ મોબાઈલ ટીમો સરકારી કેમેરાથી સજ્જ રહેશે, જે મતદાન કેન્દ્રોની આસપાસની ગતિવિધિઓનું લાઈવ રેકોર્ડિંગ કરશે. રેન્જ આઈ.જી. અને એસપીની સ્ટ્રાઈકિંગ ફોર્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો નિર્ભય બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવો માહોલ પૂરો પાડવાનો છે. ૨૬ એપ્રિલે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થશે, જેના માટે અત્યારથી જ ભાવનગર છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.