Loading Please Wait !!!
ભાવનગરના હિમાલિયા મોલમાં 'ધુરંધર' મૂવી મુદ્દે ધમાલ: સગીરને ટિકિટ ન આપતા કર્મચારીને લાફો ઝીંક્યો!

  • મેક્સેસ સિનેમામાં નરેન્દ્રસિંહ ગોહિલ અને તેના સાથીદારોનો આતંક - સિક્યુરિટી ઈન્ચાર્જને જાનથી મારવાની ધમકી
  • "રોડ પર સામા મળશો તો ખટારો માથે ચડાવી દઈશ" - નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • સગીર વયના સભ્યોને પ્રવેશ ન મળતા ઉશ્કેરાયો શખસ - બોક્સ ઓફિસમાં ઘુસી મચાવી તોડફોડ

ભાવનગરના જાણીતા હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં ગત 25 માર્ચની રાત્રે 'ધુરંધર' મૂવીની ટિકિટ બાબતે થયેલો સામાન્ય વિવાદ લોહીયાળ મારામારીમાં પરિણમ્યો હતો. એડલ્ટ ફિલ્મ માટે સગીર વયના બાળકોને ટિકિટ આપવાનો કાયદેસર ઇનકાર કરતા એક શખસે પોતાના સાથીદારો સાથે મળીને સિનેમાના કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફ પર હિંસક હુમલો કર્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસે ચાર શખસો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોક્સ ઓફિસમાં ઘુસી કર્મચારીને લાફો માર્યો ઘટનાની વિગતો મુજબ, નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામનો શખસ તેના પરિવાર સાથે 'ધુરંધર' ફિલ્મ જોવા આવ્યો હતો. કાઉન્ટર પર બેઠેલા કર્મચારી શિવમભાઈએ નિયમ મુજબ જણાવ્યું કે ફિલ્મ એડલ્ટ હોવાથી સગીરોને ટિકિટ મળી શકશે નહીં. આ સાંભળતા જ નરેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરીને બોક્સ ઓફિસની અંદર ઘુસી જઈ શિવમભાઈને લાફો ઝીંકી દીધો હતો. સિક્યુરિટી સ્ટાફે તેને તાત્કાલિક બહાર કાઢ્યો હતો.

સાથીદારોને બોલાવી સિક્યુરિટી ઈન્ચાર્જને લમધાર્યા નરેન્દ્રસિંહે હાર માનવાને બદલે ફોન કરીને તેના ત્રણ સાથીદારોને મોલ પર બોલાવ્યા હતા. સિક્યુરિટી ઈન્ચાર્જ જગદીશભાઈ ગોહિલ જ્યારે આ શખસોને સમજાવીને બહાર મોકલી રહ્યા હતા, ત્યારે ગેટ પાસે એક અજાણ્યા શખસે તેમને પાછળથી ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ચારેય શખસોએ ભેગા મળી જગદીશભાઈને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો.

"ખટારો માથે ચડાવી દઈશ" - ભયાનક ધમકી જ્યારે પોલીસને બોલાવવા માટે 112 પર કોલ કરવામાં આવ્યો, ત્યારે હુમલાખોરો નાસી છૂટ્યા હતા. જતા-જતા નરેન્દ્રસિંહે ધમકી આપી હતી કે, "મને પોલીસ કેસની કોઈ બીક નથી, જો ટિકિટ નહીં આપો તો મારી નાખવા પડશે. અને જો રોડ પર સામા મળશો તો ખટારો માથે ચડાવી દઈશ." અગાઉ પણ આ શખસ દ્વારા સિનેમામાં ઝઘડા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.