Loading Please Wait !!!
ભાવનગર ભાજપમાં 'બાવડા ખેંચાયા': પૂર્વ મેયરને ધક્કા મારતા વિવાદ વકર્યો, છેક ગાંધીનગરથી આવ્યું તેડું!

  • "આ કોઈના બાપની પેઢી નથી" – ભરત બારડના આકરા પ્રહાર બાદ CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે બેઠક
  • અપમાનિત થયેલા ભરત બારડે શક્તિ બતાવી – ગાંધીનગર મુલાકાત બાદ બોલ્યા, 'મોવડી મંડળ સમક્ષ વાત મૂકી દીધી છે'
  • સ્થાનિક ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર – કાર્યકરોમાં ભારે ગણગણાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં ભાવનગર ખાતે આંતરિક અસંતોષનો મોટો ધડાકો થયો છે. ભાવનગરના પૂર્વ મેયર ભરતભાઈ બારડ જ્યારે શહેર ભાજપ કાર્યાલયે પ્રમુખને મળવા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર ત્રણ મહામંત્રીઓએ તેમને અટકાવતા મામલો બિચક્યો હતો. પૂર્વ મેયરનું બાવડું પકડવા સુધીની ઝપાઝપી થતા કાર્યાલયમાં જ ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો સર્જાયો છે.

ભરતભાઈ બારડે રોષે ભરાઈને જાહેરમાં સંગઠનના નેતાઓને ખખડાવતા કહ્યું હતું કે, "આ કોઈના બાપની પેઢી નથી, અમે પાયાના કાર્યકર છીએ અને આ પાર્ટી અમે બનાવી છે." આ અપમાનજનક વર્તનને પગલે ભાવનગર ભાજપમાં બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, મામલો વધુ વકરે તે પહેલા જ ગાંધીનગરથી 'તેડું' આવતા ભરત બારડ તાત્કાલિક રાજ્યના પાટનગર પહોંચ્યા હતા.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાવનગરના દિગ્ગજ નેતા જીતુભાઈ વાઘાણી સાથે ભરત બારડની લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકમાં તેમણે સ્થાનિક સંગઠનના કેટલાક નેતાઓના વર્તન અંગે ખુલીને રજૂઆત કરી હતી. શીર્ષ નેતૃત્વએ તેમની વાત સાંભળી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા આખરે મામલો થાળે પડ્યો છે.

મુલાકાત બાદ ભરત બારડે નરમ પડતા જણાવ્યું કે, "મોવડી મંડળ સમક્ષ મેં મારી વાત મૂકી છે અને મને સંપૂર્ણ સંતોષ છે." તેમણે તમામ કાર્યકર્તાઓને જૂના વિવાદો ભૂલીને ભાજપને મોટી લીડથી જીતાડવા માટે એકઠા થવા હાકલ કરી છે. જોકે, રાજકીય વિશ્લેષકો માને છે કે આ ઘટનાએ સ્થાનિક સંગઠનમાં રહેલી જૂથબંધીને ઉઘાડી પાડી દીધી છે, જેની અસર આગામી ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે.