Loading Please Wait !!!
ભાવનગરમાં ACBની મોટી ટ્રેપ: ₹2 લાખની લાંચ લેતા ડે. ફાયર ઓફિસર અને વચેટિયો રંગેહાથ ઝડપાયા

 

  • સરકારી શાળાઓના ફાયર NOC માટે માંગી હતી ₹5 લાખની લાંચ; આણંદ એસીબીએ સરટી હોસ્પિટલ પાસે ગોઠવ્યું છટકું

  •  79 શાળાઓનું ભાવિ અટકાવી લાંચ માંગવી ભારે પડી; વચેટિયા પ્રકાશ ચૌહાણની પણ ધરપકડ, લાંચિયાઓમાં ફફડાટ

  • કોન્ટ્રાક્ટરની ફરિયાદ બાદ આણંદ એસીબી એક્શન મોડમાં; વચેટિયો ₹2 લાખ લેવા આવ્યો ને એસીબીના પાંજરામાં પુરાયો

    ભાવનગર જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓ સામે આણંદ એસીબીની ટીમે એક મોટી સફળ ટ્રેપ પાર પાડી છે. જિલ્લાની સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કર્યા બાદ તેનું NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવા માટે ૫ લાખ રૂપિયાની લાંચ માંગનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશ અમૃતલાલ પટેલ અને તેના વચેટિયા પ્રકાશ ચૌહાણને એસીબીએ ૨ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

    સમગ્ર ઘટનાક્રમ વિગતો મુજબ, એક કોન્ટ્રાક્ટરે જિલ્લાની ૭૯ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનું કામ પૂર્ણ કર્યું હતું. આ કામગીરીના સેફ્ટી પ્લાન એપ્રુવલ અને સર્ટિફિકેટ મેળવવા માટે તેણે ઓનલાઇન અરજી કરી હતી. જે મંજૂર કરવાના બદલામાં ડેપ્યુટી ફાયર ઓફિસર મહેશ પટેલે (ક્લાસ-૨) ૫ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અગાઉ ૫૦ હજાર રૂપિયા વચેટિયા મારફતે લઈ લેવામાં આવ્યા હતા. બાકીના ૪.૫૦ લાખ પૈકી ૨ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

    સરટી હોસ્પિટલ પાસે ગોઠવ્યું છટકું લાંચ આપવા ન માંગતા કોન્ટ્રાક્ટરે આણંદ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે સરટી હોસ્પિટલના ગેટ નંબર ૨ પાસે છટકું ગોઠવ્યું હતું. જેવું જ વચેટિયો પ્રકાશ ચૌહાણ ૨ લાખ રૂપિયા લેવા પહોંચ્યો, ત્યાં જ ઓથમાં રહેલી એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. બાદમાં મહેશ પટેલને તેની ઓફિસથી ધરપકડ કરવામાં આવી હતી. આ સફળ ટ્રેપ બાદ ભાવનગરના સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે.