ડિલિવરી પછી માતાઓના વજન પર ટિપ્પણી કરવી એક સામાજિક ગુનો
- માતૃત્વનો આનંદ માણવાને બદલે સમાજના બેવડા માપદંડનો શિકાર બની રહી છે નવી માતાઓ
- કિઆરા અડવાણી સહિત અનેક મહિલાઓએ ઉઠાવ્યો બૉડી શેમિંગનો ગંભીર મુદ્દો
- ડિલિવરી પછી વજન અને દેખાવ પરની ટિપ્પણીઓ ડિપ્રેશનનું મુખ્ય કારણ
સિટી ન્યુઝ @ મુંબઈ
ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રીને અત્યંત સન્માન અને પ્રેમ આપવામાં આવે છે, પરંતુ બાળકને જન્મ આપ્યા પછી તેના શરીરને લઈને શરૂ થતું બૉડી શેમિંગ તેને માનસિક રીતે તોડી નાખે છે. તાજેતરમાં અભિનેત્રી કિઆરા અડવાણીએ આ સામાજિક દૂષણ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, માતૃત્વનો આનંદ માણવાને બદલે સ્ત્રીઓ પરફેક્ટ ફિગર મેળવવાની રેસમાં ધકેલાય છે. અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચને પણ માતૃત્વ બાદ પોતાના વધેલા વજન અંગે થતી ટીકાઓ સામે મક્કમ વલણ અપનાવ્યું હતું. સર્વેક્ષણો દર્શાવે છે કે ૭૫ ટકાથી વધુ મહિલાઓ ડિલિવરીના પ્રથમ વર્ષમાં પોતાના શરીરને લઈને અસંતોષ અનુભવે છે, જેનું મુખ્ય કારણ સમાજનું નકારાત્મક દબાણ છે.
સ્ત્રીરોગ નિષ્ણાતોના મતે, આ પ્રથા કેટલીકવાર સ્ત્રીઓને ગંભીર પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન તરફ દોરી જાય છે. એક મહિલાએ પોતાના સ્વાનુભવમાં જણાવ્યું કે, શારીરિક રીતે અસ્વસ્થ હોવા છતાં તેને શરીરના વજન અંગે ટોણા સાંભળવા પડતા હતા, જેનાથી તે બાળકના ઉછેરની પ્રક્રિયામાં પણ મુશ્કેલી અનુભવતી હતી. ડોક્ટરો સ્પષ્ટ કરે છે કે પ્રસૂતિ બાદ ગર્ભાશયને મૂળ સ્થિતિમાં આવતા ૬થી ૮ અઠવાડિયા લાગે છે અને શરીરના આંતરિક ફેરફારોને સ્થિર થવા માટે ઓછામાં ઓછા ૨ વર્ષ આપવા જોઈએ. ઝડપી વજન ઘટાડવાના પ્રયાસોમાં ક્રેશ ડાયટ લેવાથી માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.
હવે આ પરિસ્થિતિમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપની જેમ હવે એશિયન દેશોમાં પણ 'ફોર્થ ટ્રિમેસ્ટર' અને 'મૉમ બૉડ' જેવી મૂવમેન્ટ લોકપ્રિય બની રહી છે, જેનો ઉદ્દેશ્ય વધેલા વજન કે સ્ટ્રેચ માર્ક્સને શરમ નહીં પરંતુ માતૃત્વના સન્માન તરીકે જોવાનો છે. સોશિયલ મીડિયા પર અનેક મહિલાઓ 'નો ફિલ્ટર' સાથે પોતાના વાસ્તવિક શરીરની તસવીરો શેર કરી સામાજિક માનસિકતાને પડકારી રહી છે. હવે કપડાંની બ્રાન્ડ્સ પણ વાસ્તવિક માતાઓને મૉડેલ તરીકે પસંદ કરી રહી છે, જે સૂચવે છે કે સમાજ હવે માતૃત્વના આ બદલાતા સ્વરૂપને સ્વીકારી રહ્યો છે.
માતૃત્વ અને વાસ્તવિકતા
બાળકના જન્મ પછી સ્ત્રીનું શરીર પરિવર્તનમાંથી પસાર થાય છે તે કુદરતી છે. આ પ્રક્રિયામાં માતાને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, ટીકાની નહીં. ઝડપી વજન ઉતારવાના દબાણને કારણે સ્ત્રીઓ માનસિક તણાવ અને શારીરિક નબળાઈનો શિકાર બને છે. સમય સાથે શરીર આપોઆપ સુધરે છે, તેથી સ્ત્રીઓએ પોતાની જાતને દંડવાને બદલે સ્વસ્થ આહાર અને પૂરતી ઊંઘ પર ધ્યાન આપવું જોઈએ. સમાજ અને પરિવારે પણ માતૃત્વની આ સફરમાં સ્ત્રીના શરીરને માન આપવું અત્યંત જરૂરી છે.