મોરબીમાં ‘આપ’ નેતા પંકજ રાણસરીયાને પોલીસની નોટિસ
6 મહિના જૂના અકસ્માતનો કેસ રી-ઓપન કરી સરકાર મોઢું બંધ કરાવવા માંગે છે
સીટી ન્યૂઝ@મોરબી
મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પંકજ રાણસરીયાએ સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવતા તેમનું મોઢું બંધ કરાવવા માટે સરકારના ઈશારે પોલીસ દ્વારા જૂના કેસમાં નોટિસ ફટકારીને હેરાન કરવામાં આવી રહ્યા છે.
પંકજ રાણસરીયાએ વિગત આપતા જણાવ્યું કે, ડિસેમ્બર ૨૦૨૫માં કેનાલ રોડ પર આવેલી એક સ્કૂલ પાસે બાળકોની સુરક્ષા માટે બમ્પ બનાવવામાં આવ્યા હતા. જો કે, કોઈ રાજકીય આગેવાનની મોરબી મુલાકાત વખતે આ બમ્પ હટાવી દેવાયા હતા. ત્યારબાદ સ્થાનિકો અને સ્કૂલ પ્રશાસનની માંગણીને પગલે ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રોડ એન્ડ બિલ્ડીંગ (R&B) ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં ફરી બમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. "સ્થાનિકોએ ધ્યાન દોરતા અમે રાત્રે ત્યાં જઈને રજૂઆત કરી હતી કે બમ્પ ખૂબ ઊંચા બનાવવામાં આવી રહ્યા છે, જેના બદલે પ્લાસ્ટિકના અથવા નીચા ડામરના બમ્પ બનાવો. પરંતુ તંત્રની આળસટ વગરના બમ્પને કારણે ત્યાં અકસ્માત થયો અને એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું."
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ઘટનાને ૬ મહિના જેટલો સમય વીતી ગયો છે. જો અમારી કોઈ ભૂમિકા હોત તો પોલીસે તે સમયે જ કાર્યવાહી કરી હોત અને પોલીસે આ કેસ બંધ પણ કરી દીધો હતો. પરંતુ હાલમાં હું અને મારી ટીમ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત ચલાવી રહ્યા છીએ, જેનાથી ડરીને સરકારના અમુક આગેવાનોના દબાણ હેઠળ આ કેસને ફરીથી રી-ઓપન કરવામાં આવ્યો છે. ગઈકાલે પોલીસ દ્વારા પંકજ રાણસરીયાને એક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં ઉલ્લેખ છે કે: "તમારા પર આક્ષેપો છે અને આ તમે બનાવેલ બમ્પ છે જેના કારણે વ્યક્તિનું મોત થયું છે, માટે પોલીસ સ્ટેશને હાજર રહી નિવેદન આપો." આ નોટિસ અંગે રાણસરીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ માત્ર વિપક્ષનો અને ખેડૂતોનો અવાજ દબાવવાનો રાજકીય સ્ટંટ છે, પરંતુ તેઓ ખેડૂતો માટે ન્યાયની લડત ચાલુ જ રાખશે.