વડોદરા ભાજપમાં મોટો ભડકો: ઇન્સ્ટા ગર્લ અંકિતા સામે નયના પરમારનો બળવો, અપક્ષ લડવાની જાહેરાત!
- પોર બેઠક પર ટિકિટ કપાતા જંગ જામ્યો – સોશિયલ મીડિયા સ્ટાર અને ઉચ્ચ શિક્ષિત મહિલા વચ્ચે 'રિયલ' ટક્કર
- 11 April એ નયના પરમાર ભરશે અપક્ષ ફોર્મ – પતિ રાજેશ પરમારે ફેસબુક પોસ્ટ કરી જનતાને આપ્યું આમંત્રણ
- લડત કોઈ પક્ષ માટે નહીં પણ જનતાના હક માટે – વડોદરા ભાજપમાં જૂથવાદ વકરતા હાઇકમાન્ડ ચિંતામાં
વડોદરા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપની ઉમેદવાર યાદી જાહેર થતા જ અસંતોષના સુર ઉઠ્યા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી પોર બેઠક પર ભાજપે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સોશિયલ મીડિયા પર 'ઇન્સ્ટા ગર્લ' તરીકે જાણીતા અંકિતા પરમારને મેદાને ઉતાર્યા છે. આ નિર્ણય સામે પોર બેઠકના પ્રબળ દાવેદાર ગણાતા નયના પરમારે ખુલ્લો બળવો પોકાર્યો છે. ટિકિટ કપાતા નારાજ થયેલા નયના પરમારે હવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરીને ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
નયના પરમાર માત્ર શિક્ષિત જ નહીં પણ સામાજિક રીતે પણ મજબૂત પકડ ધરાવે છે. તેઓ ગુજરાતીમાં એમ.એ.બીએડ થયેલા છે અને નર્સિંગમાં એમએસડબલ્યુની ડિગ્રી ધરાવે છે. તેમના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના બે ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા હોવાથી સ્થાનિક સ્તરે તેમનો મોટો પ્રભાવ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે એક ધારાસભ્યના સપોર્ટ છતાં અન્ય જૂથના દબાણને વશ થઈને નયના પરમારનું પત્તું કાપીને અંકિતા પરમાર પર પસંદગી ઉતારવામાં આવી છે.
બળવાની જાહેરાત કરતા નયના પરમારના પતિએ ફેસબુક પર આક્રમક પોસ્ટ મૂકી છે. તેમણે લખ્યું છે કે, "આ લડત કોઈ પક્ષ માટે નથી, પણ જનતાના હક, વિકાસ અને ન્યાય માટે છે." તેમણે પોર બેઠકની જનતાને આમંત્રણ આપ્યું છે કે આગામી 11 એપ્રિલ ના રોજ નયના પરમાર અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરવા જશે. આ જાહેરાત બાદ ભાજપના સંગઠનમાં દોડધામ મચી ગઈ છે અને નારાજ જૂથને મનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, ભાજપના સત્તાવાર ઉમેદવાર અંકિતા પરમાર ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે અને રીલ બનાવવામાં માહિર છે. તાજેતરમાં જ તેમની નિમણૂક પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી છે. અંકિતા પરમારના સમર્થકો માને છે કે તેમની લોકપ્રિયતા ભાજપને જીત અપાવશે, જ્યારે વિરોધી જૂથનું કહેવું છે કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સ ક્યારેય મતમાં પરિવર્તિત થતા નથી. હવે આ લડાઈ 'રીલ' લાઈફ જેવી ગ્લેમરસ રહેશે કે 'રિયલ' જમીની હકીકત નયના પરમારને ફાયદો કરાવશે તે જોવું રસપ્રદ રહેશે.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવા બળવાખોર સૂર જોવા મળી રહ્યા છે. વડોદરાની આ બેઠક પર જો નયના પરમાર ફોર્મ પાછું નહીં ખેંચે, તો ભાજપના સત્તાવાર મતોમાં મોટું ગાબડું પડી શકે છે. હાલમાં તો પોર બેઠક પર 'પરમાર vs પરમાર' ના જંગે વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી સાંજ સુધીમાં ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલું સફળ રહે છે તેના પર સૌની નજર છે.